વડાપ્રધાન મોદીના હનુમાન ગણાયેલા ચિરાગ પાસવાને શું કહ્યું ? જુઓ
કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાન અવાનવાર પોતાના નિવેદનોના લીધે ચર્ચામાં રહે છે. હવે તેમણે પટનામાં અનામત સાથે કોઈ છેડછાડ થવા મુદ્દે ગઠબંધન તોડી દેવાની તૈયારીઓ દર્શાવતાં રાજકારણમાં હડકંપ મચ્યો છે.
ચિરાગ પાસવાને નિવેદન આપ્યુ હતું કે, ‘હું કોઈપણ ગઠબંધનમાં રહું, કોઈપણ મંત્રી પદ પર રહું, જે દિવસે મને લાગશે કે, બંધારણ કે અનામત સાથે છેતરપિંડી થઈ રહી છે, તે સમયે જ મંત્રી પદને ઠુકરાવી દઈશ.’
ચિરાગ પાસવાને પટનામાં આયોજિત એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, ‘અનામત મુદ્દે કોર્ટ કાયદામાં ફેરફાર કરવાની વાત કરી રહી છે. જેનો વિરોધ મારા પિતાએ કર્યો હતો અને હું પણ તેમના જ માર્ગે છું. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મારા પિતાની વાત માની હતી, જેમનો હું આભાર માનુ છું. આગામી 28 નવેમ્બરે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં ભવ્ય સ્થાપના દિનનું આયોજન કરવાના છે, જેમાં રેલી પણ નીકળશે.’
ચિરાગ પાસવાનના આ નિવેદનથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. અગાઉ પણ ચિરાગ પાસવાન એનડીએ વિરૂદ્ધમાં અનેક નિવેદનો આપી ચૂક્યા છે. જેથી લોક જનશક્તિ પાર્ટી એનડીએ સાથેનું ગઠબંધન તોડવાની અટકળો વેગવાન બની છે. અગાઉ પણ તેમણે 2020ની બિહાર વિધાન સભા ચૂંટણી એનડીએના સાથ વિના લડી હતી.