મહારાષ્ટ્રમાં શું રાજકીય નવાજૂની થઈ રહી છે ? કોણ કોને મળ્યા ? વાંચો
મહારાષ્ટ્ર વિધાન સભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય મોરચે અકળ ઘટનાઓ આકાર લઈ રહી છે. રાજકીય હલચલ સાથે એવા અહેવાલો બહાર આવ્યા હતા કે ઉધ્ધવ ઠાકરે શિવ સેના અને ભાજપના નેતાઓ વચ્ચે ગુપ્ત મુલાકાતો શરૂ થઈ છે. રાજકીય આલમમાં જાતજાતના અનુમાનો પણ શરૂ થયા છે.
વંચિત બહુજન આઘાડી દ્વારા એવો દાવો કરાયો છે કે નાયબ મુખ્ય મંત્રી ફડણવીસ અને ઉધ્ધવ ઠાકરે વચ્ચે અડધી રાત્રે બેઠક થઈ હતી અને એ જ રીતે ઉધ્ધવના ખાસ વિશ્વાસુ નેતા સંજય રાઉતે દિલ્હીમાં ભાજપના વડા નડા સાથે બેઠક કરી હતી.
જો કે આ બારામાં બંને પાર્ટીઓએ સત્તાવાર રીતે હજુ કશું જાહેર કર્યું નથી કે કોઈ પ્રતિભાવ આપ્યો નથી પણ રાજકીય આલમમાં ચર્ચા શરૂ થઈ છે અને અનુમાનોની બજાર ગરમ બની ગઈ છે. વંચિત અઘાડી પાર્ટીના પ્રવક્તા સિધ્ધાર્થ મોકલેએ એક વિડીયો વાયરલ કર્યો હતો.
એમણે એવો દાવો કર્યો છે કે 25 જુલાઈની રાત્રે 2 વાગે સંજય રાઉતે ભાજપના વડા નડા સાથે બેઠક કરી હતી. ત્યારબાદ 5 મી ઓગસ્ટના રાત્રે 12 વાગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી ફડણવીસ માતોશ્રી બંગલે ગયા હતા અને ઉધ્ધવ સાથે બેઠક કરી હતી. બંને વચ્ચે 2 કલાક સુધી ચર્ચા થઈ હતી.
ત્યાર બાદ 6 ઓગસ્ટના રોજ ઉધ્ધવ દિલ્હી ગયા હતા. એવા અનુમાનો થઈ રહ્યા છે કે ઉધ્ધવ કઈક નવાજૂની કરી શકે છે અને ચુંટણીમાં મોટો રાજકીય ઊલટ ફેર જોવા મળી શકે છે.