ઝારખંડના પ્રવાસમાં વડાપ્રધાન મોદીએ શું કહ્યું ? કોના પર કર્યા પ્રહાર ? જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ઝારખંડના પ્રવાસે હતા અને અહીં રાંચી તથા જમશેદપુર માટે હજારો કરોડની યોજનાઓની ભેટ આપી હતી. એમનું બંને શહેરોની જનતાએ ચાલુ વરસાદમાં પણ ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને બંને શહેરોમાં સભાઓ સંબોધી હતી અને કહ્યું હતું કે રોહીગ્યાઓથી આદિવાસીઓને ખતરો છે . જેએમએમની સરકાર ઘૂસણખોરોની સાથે ઊભી છે.
વડાપ્રધાને કોંગ્રેસ અને જેએમએમ પરના શાબ્દિક હુમલામાં કહ્યું હતું કે જેએમએમ પાર્ટીની અંદર કોંગ્રેસનું ભૂત ઘૂસી ગયું છે. જેએમએમના નેતાઓએ કોંગ્રેસ સ્કૂલ ઓફ કરપ્શન પાસેથી ટ્રેનિંગ લીધી છે અને બેફામ ભ્રષ્ટાચાર કર્યો છે. નેતાઓએ બેઈમાનીની ટ્રેનિંગ કોંગ્રેસ પાસેથી લીધી છે. એમણે કહ્યું કે દેશની સૌથી બેઈમાન અને મહાભ્રષ્ટ પાર્ટી કોઈ હોય તો તે કોંગ્રેસ જ છે.
વડાપ્રધાને પોતાનું આક્રમણ ચાલુ જ રાખીને એવો આરોપ મૂક્યો હતો કે ઝારખંડના 3 સૌથી મોટા દુશ્મન જેએમએમ, કોંગ્રેસ અને રાજદ છે. રાજ્યના પછાત વર્ગ સાથે આ લોકોએ અન્યાય જ કર્યો છે અને ફક્ત પોતાના ઘર ભર્યા છે. અમે રાજ્યના વિકાસ માટે કોઈ કસર બાકી રાખશુ નહીં તેમ કહીને વડાપ્રધાને ભાજપને સત્તાના સૂત્રો સોંપવાની અપીલ કરી હતી.
વડાપ્રધાને એવો આરોપ પણ મૂક્યો હતો કે બાંગ્લાદેશી અને રોહીગ્યા ઘૂસણખોરો સાથે જેએમએમ પાર્ટી ઊભી છે અને આ ઘૂસણખોરો આદિવાસીઓ અને અન્ય સમાજ માટે એક મોટો ખતરો બની ગયા છે. અમે લોકોને આ ત્રાસમાંથી છોડાવવા કટિબધ્ધ છીએ.