વડાપ્રધાન મોદીની કઈ વાત માની ગયા પુતિન ? જુઓ
રશિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે એક મહત્વના મુદ્દા અંગે સહમતી બની હતી જે ભારત માટે ખુશીની વાત બની છે. રશિયન સેનામાં કામ કરી રહેલા ભારતીયોના સ્વદેશ પરત આવવાનો મુદ્દો મોદીએ ઉઠાવ્યો હતો. આ પછી રાષ્ટ્રપતિ પુતિને મોદીને કહ્યું કે ભારતીયો જલદી જ દેશમાં પરત ફરશે.
આમ વડાપ્રધાન મોદીની વાત અને આગ્રહને પુતિન દ્વારા માન આપવામાં આવ્યું હતું અને બધા જ ભારતીયો જે રશિયાની સેના માટે લડી રહ્યા છે તે બધાની સુરક્ષિત સ્વદેશ વાપસી થશે તેવી ખાતરી મોદીને આપવામાં આવી હતી. આ પહેલા પણ ભારતે આ મુદ્દો રશિયા સામે મજબૂતાઈથી ઉઠાવ્યો હતો.
અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે ભારતીય નાગરિકોને રશિયન સેના સાથે યુક્રેન સામે લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. ભારતીયોને છેતરપિંડીથી સરહદ પર સુરક્ષા સહાયક તરીકે કામ કરવા મોકલવામાં આવી રહ્યા છે.
એક રિપોર્ટથી જાણવા મળ્યું હતું કે એક એજન્ટે માહિતી આપી હતી કે નવેમ્બર 2023થી લગભગ 40 ભારતીયો રશિયા-યુક્રેન બોર્ડર પર ફસાયેલા છે. આ દરમિયાન એક વ્યક્તિનું મોત પણ થયું છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના ઘણા યુવાનો પણ આ યુદ્ધમાં ફસાયા છે.
જો કે રશિયાના પ્રમુખે આ બારામાં હકારાત્મક વલણ અપનાવીને પોતાના ખાસ મિત્ર મોદીને ખુશ કરી દીધા હતા અને મોદીની વાત માની લીધી હતી. ટૂક સમયમાં જ બધા યુવાનો સ્વદેશ પાછા ફરશે તેમાં હવે કોઈ શંકા રહી નથી.