વકફ બિલ કાલે લોકસભામાં રજૂ કરાય તેવી શક્યતા
કેન્દ્ર સરકાર સૂચિત વકફ બીલ બીજી એપ્રિલના રોજ સંસદમાં રજૂ કરી શકે છે. પહેલા લોકસભામાં આ બીલ આવશે અને પછી રાજ્યસભામાં મુકાશે.આવા સંજોગોમાં આ બીલ બંન્ને સદનોમાં પાસ કરાવવા માટે આ સત્રના માત્ર 2 દિવસ જેટલો જ સમય મળશે.
સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આ તબક્કાની કાર્યવાહીના પણ ચાર દિવસ બાકી છે અને હવે સરકાર વકફ બિલ લાવવાની તૈયારીમાં છે.
દરમિયાન વકફમાં સંશોધન માટે બનાવવામાં આવેલી જે.પી.સી.નાં અધ્યક્ષ અને ભાજપના સાંસદ જગ્દમ્બીકા પાલે કહ્યું છે કે, આ બીલ વકફમાં સુધારા માટે છે. આ બીલ મંજુર થશે પછી અનેક વિવાદ શમી જશે. કેરલમાં હજારો વર્ષ જુના ચર્ચને વકફ તરીકે ઓળખાવા લાગ્યું છે. અનેક સ્થળે સંપતિઓ વકફને આપી દેવામાં આવી છે. નવી સંસદને પણ વકફની સંપતિ ગણાવવામાં આવી હતી. આ બિલથી આ બધા વિવાદ પુરા થશે.
તેમણે ઉમેર્યું કે, આજે દેશના મુસ્લિમો પણ વડાપ્રધાન મોદીને સૌગાત-એ-મોદી માટે ધન્યવાદ કહી રહ્યા છે. ભાજપ હમેશા સબ કા સાથ સબ કા વિકાસની વાત જ કરે છે. જયારે કોંગ્રેસ અને ઓવેસી જેવા મુસ્લિમોનાં મત માટે તુષ્ટિકરણની નીતિ અપનાવે છે.
બીજી બાજુ ઓલ ઇન્ડિયાસુફી સજ્જદાનશીન કાઉન્સિલનાં ચેરમેન અને અજમેર દરગાહને આધ્યાત્મિક પ્રમુખના ઉતરાધિકારી સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ કહ્યું છે કે, વકફ બીલમાં સંશોધનની જરૂર છે. આશા છે કે, આ બિલથી પારદર્શકતા આવશે. વિરોધ અને સમર્થન લોકતંત્રનો હિસ્સો છે અને બંધારણીય રીતે કોઈ વિરોધ કરે તો તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. પણ મારું માનવું છે કે, વક્ફ્માં બદલાવની જરૂર છે.
તેમણે કહ્યું કે, વકફમાં સંશોધનનો અર્થ એવો નથી કે, મસ્જીદ કે સંપતી છીનવી લેવામાં આવશે. સરકાર પણ પૂરી ચર્ચા કર્યા પછી બીલ લાવી રહી છે. આ બીલ પછી વકફની સંપતિઓને રક્ષણ મળશે. દબાણો હટશે અને વકફનું ભાડું વધશે જે જ્ઞાતિને જ કામ આવશે.
