video : ટાટા ગ્રુપના ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં લાગી ભીષણ આગ; ધુમાડાના ગોટે-ગોટા ઊડ્યાં, મોટી દુર્ઘટના ટળી
તમિલનાડુના હોસુરમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના ઉત્પાદન એકમમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર, સેલફોન ઉત્પાદન વિભાગમાં આગ ફાટી નીકળી હતી, જેના પગલે કર્મચારીઓએ જગ્યા ખાલી કરવી પડી હતી. આગ લાગ્યા બાદ મેન્યુફેક્ચરિંગ યુનિટના કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રાહત અને આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના વાહનો અને કર્મચારીઓ હાજર છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના હોસુર પાસેની છે જ્યાં ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે ઘણા કર્મચારીઓ પ્લાન્ટમાં ફરજ પર હતા. જો કે, કંપનીના નિવેદન અનુસાર, પ્લાન્ટમાં ઇમરજન્સી પ્રોટોકોલ તમામ કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે અમારા કર્મચારીઓ અને અન્ય હિતોની સુરક્ષા માટે જરૂરી પગલાં લઈશું.” કંપનીએ વધુમાં જણાવ્યું કે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો
મળતી માહિતી મુજબ, નાગમંગલમ નજીક ઉદ્દનપલ્લી સ્થિત કંપનીના મોબાઈલ ફોન એસેસરીઝ પેઈન્ટિંગ યુનિટમાં સવારે લગભગ 5.30 વાગ્યે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. તમામ કર્મચારીઓને પરિસરમાંથી બહાર કાઢવા માટે સાત ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.
1,500 કર્મચારીઓ ફરજ પર હતા
આગ લાગી ત્યારે પ્રથમ પાળીમાં 1500 જેટલા કર્મચારીઓ ફરજ પર હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL)ના પ્રવક્તા અનુસાર, તમિલનાડુના હોસુરમાં અમારા પ્લાન્ટમાં આગની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. અમારા ઈમરજન્સી પ્રોટોકોલ્સ એ સુનિશ્ચિત કરે છે કે અમારા બધા કર્મચારીઓ સુરક્ષિત છે. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે અને અમે અમારા કર્મચારીઓ અને અન્ય હિતધારકોના હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લઈશું.”
100થી વધુ પોલીસકર્મીઓ તૈનાત
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શ્વાસની તકલીફથી પીડાતા ત્રણ કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હવે તેની તબિયત સારી હોવાનું કહેવાય છે. 100 થી વધુ પોલીસકર્મીઓની ટીમ અહીં તૈનાત કરવામાં આવી છે અને તમામ કર્મચારીઓને કંપની પરિસર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આઇફોન માટે ઘણી એસેસરીઝના ઉત્પાદનમાં રોકાયેલી આ કંપનીના કર્મચારીઓની સંખ્યા 4500 છે. આ કંપની 500 એકરમાં ફેલાયેલી છે.