સૌરાષ્ટ્ર સહિત આ રાજ્યમાં કમોસમી વરસાદ, વાંચો
કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી: દાહોદ, સુરત, વડોદરા, નવસારીમાં માવઠાનો માર સહન કરતાં ધરતીપુત્રો
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર તો ઉતાર ગુજરાતમાં દાહોદ ઉપરાંત સુરત, વડોદરા, નવસારીમાં કમોસમી વરસાદ ખબક્યો હતો.
રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મંગળવારે કમોસમી વરસાદ ખબક્યો હતો. એકબાજુ કડકડતી ઠંડી પડી રહી છે તો બીજી બાજુ વરસાદ વરસતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શિયાળુ પાક ખેતરમાં ઉભો છે ત્યારે માવઠાને કારણે ખેડૂતોને નુકશાની ભોગવવાનો વારો આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.
સૌરાષ્ટ્રમાં મંગળવારે ભાવનગર જિલ્લાના ઝાંઝમેર જ્યારે ગીર સોમનાથ જિલ્લાના ઘાટવડમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે ભાવનગર જિલ્લામાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. જ્યારે દાહોદમાં પણ ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો હતો. દાહોદ જિલ્લાના રાબડાલ, જાતલ, છાપરી, રામપુરા, રળિયાતી, લીમડી, ગરબાડા, સંજેલી, દેવગઢ બારીયા, ધાનપુર, લીમખેડામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. સુરતના સોંદામીઠા, ટકારમાં, ભટગામ સહિતના વિસ્તારમાં પણ કમોસમી વરસાદે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો હતો. છોટાઉદેપુરના તેજગઢ, ઝોઝા, દેવહાંટ પંથકમાં વરસાદ નોંધાયો હતો.
નવસારીન બિલીમોરામા પણ કમોસમી વરસાદ ખાબકતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. બિલીમોરાના ડેપો સ્ટેશન રોડ, ગોહરબાહ વિસ્તારમાં મોડી રાત્રે માવઠું થયું હતું. વડોદરામાં પણ વહેલી સવારે વરસાદનું આગમન થતાં નોકરી જતાં લોકો અને શાળાએ જતાં છાત્રો મુશ્કેલીમાં મુકાયા હતા.
રાજ્યમાં ભર શિયાળે પડેલા કમોસમી વરસાદને કારણે શિયાળુ પાક એવા જીરું, કપાસ, દિવેલા, તુવેર, મકાઇ, સહિતના પાકોને નુકશાની જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે.