કેન્દ્રીય મંત્રીનો ધડાકો, સાત દિવસમાં આખા દેશમાં CAA લાગુ
તમામ રાજ્યોમાં `નાગરિકતા સુધારા કાયદો’ અમલી બનશે: હિન્દુ લઘુમતીઓને ન્યાય મળશે
લોકસભાની ચૂંટણી પહેલા જ કેન્દ્ર સરકારે સીએએ (સિટિઝન્સ એમેન્ડમેન્ટ એક્ટ) લાગુ કરવાની તમામ તૈયારી કરી લીધી હોય તેવા સ્પષ્ટ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળના બાનગાંવના ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે પશ્ચિમ બંગાળમાં એક સભાને સંબોધતા સાત દિવસમાં જ આખા દેશમાં સીએએ નો અમલ શરૂ થઈ જવાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે હું ખાતરી આપું છું કે માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આવતા સાત દિવસમાં સીએએ લાગુ કરી દેવામાં આવશે. આ અગાઉ ડિસેમ્બર મહિનામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ આ હેતુની જ જાહેરાત કરી હતી. સીએએનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિરોધ કર્યા બાદ ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આખા દેશમાં એ કાયદો અમલમાં આવશે અને તેને કોઈ રોકી શકશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ માં લોકસભા અને રાજ્યસભામાં આ કાયદા અંગેનું બિલ પસાર થઈ ચૂક્યા બાદ રાષ્ટ્રપતિએ પણ તેને મંજૂરી આપી દીધી છે.
વિપક્ષો વિરોધ કરી રહ્યા છે
૨૦૧૫ પહેલા પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ભારતમાં પ્રવેશેલા અને સ્થાયી થયેલા હિન્દુ, શીખ, જૈન, બૌધિષ્ટ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતનું નાગરિકત્વ આપવાની આ કાયદામાં જોગવાઈ છે. આ યાદીમાં મુસ્લિમોનો સમાવેશ ન થતા ભારે વિવાદ થયો હતો. વિપક્ષોએઆ કાયદાનો વિરોધ કર્યો હતો અને દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક વિસ્તારોમાં તોફાનો પણ થયા હતા.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ ખેલ નાખશે?
સીએએ ને ૨૦૧૯માં જ મંજૂરી મળી ગઈ હોવા છતાં હજુ સુધી તેનો અમલ શરૂ નથી કરાયો. જોકે ભાજપ લોકસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડે તે પહેલા જ તેના અમલની સત્તાવાર ઘોષણા કરી દેશે તેવું માનવામાં આવે છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર સીએએનું પોર્ટલ તૈયાર થઈ ગયું છે. ભારતનું નાગરિકત્વ મેળવવા માટેની સમગ્ર પ્રક્રિયા ઓન લાઇન કરવાની રહેશે. અરજદારોએ પોતે ભારતમાં કયા વર્ષમાં પ્રવેશ્યા એ જણાવવાનું રહેશે અને તેના માટે કોઈ ટ્રાવેલ ડોક્યુમેન્ટ પણ રજુ કરવાની જરૂરિયાત નહીં રહે. કેન્દ્રીય મંત્રી શાંતનુ કુમારે કરેલી ઘોષણાને પગલે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.