ગ્વાલિયરની BSF એકેડેમિમાંથી બે ટ્રેનર મહિલા કોન્સ્ટેબલ લાપતા
એક મહિનાથી ગુમ: ભારે ભેદભરમ સર્જાયા
સરહદ પરના બીએસએફ યુનિટોને સતર્ક કરાયા
ગ્વાલિયરના તેકાનપુર ખાતે આવેલી બીએસએફ એકેડેમી માંથી બે મહિલા કોન્સ્ટેબલ છેલ્લા એક મહિનાથી લાપતા બનતા ભારે ભેદભરમ સર્જાયા છે. વિવિધ એજન્સીઓ દ્વારા બંનેની સઘન શોધખોળ હાથ ધરવામાં આવ્યા પછી પણ પતો ન મળતા સરહદ પરના બીએસએફના યુનિટોને એલર્ટ કરી દેવાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ જબલપુરની મહિલા કોન્સ્ટેબલ આકાંક્ષા નિખાર અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદની સહાના ખાતુન 2021 થી આ એકેડેમીમાં ટ્રેનર તરીકે ફરજો બજાવતી હતી. બંને 6 જૂનથી લાપતા છે.
તેમની શોધખોળ દરમિયાન તેમના ફોન લોકેશન દિલ્હી, હાવરા અને પશ્ચિમ બંગાળના બેહરામપુરા માં મળતા બંનેની શંકાસ્પદ હલચાલની આશંકા જન્મી હતી. તપાસનીશ એજન્સીઓએ વિવિધ સ્થળોએ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા જેમાં 7 જૂનના રોજ બંને મહિલા કોન્સ્ટેબલ બહેરામપુરા ની બેકોન હોસ્પિટલ માં નજરે પડ્યા હતા. તે પછી બંનેના ફોન સ્વીચ ઓફ થઈ ગયા છે.
બનાવ અંગે આકાંક્ષા ના માતા ઉર્મિલા નિખારના જણાવ્યા અનુસાર છેલ્લે તારીખ 5 જૂનના રોજ તેમની આકાંક્ષા સાથે ફોન ઉપર વાત થઈ હતી. પુત્રી લાપતા થવા અંગે તેમણે ગ્વાલિયર પોલીસમાં ફરિયાદ કરી હોવા છતાં પોલીસે તપાસ હાથ ન ધરી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.