ભરોસો ભારે પડ્યો! ગોલ્ડ બોન્ડ યોજનાથી સરકારને કરોડો રૂપિયાની ખોટ, SBIના અહેવાલમાં ચિંતાજનક ધડાકો
એસબીઆઇ રિસર્ચના નવા રિપોર્ટ, “ધ ગ્રેટ ગ્લોબલ ગોલ્ડ રશ” માં જણાવાયું છે કે વૈશ્વિક સોનાની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. સેન્ટ્રલ બેંકો અને રોકાણકારો બધા સોના તરફ આકર્ષાઈ રહ્યા છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આ ચમકતી ધાતુ ભયનું માપદંડ બની ગઈ છે. રિપોર્ટ, “ધ ગ્રેટ ગ્લોબલ ગોલ્ડ રશ” અનુસાર, સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનાથી અત્યાર સુધીમાં આશરે રૂપિયા 93284 કરોડ (આશરે $1.2 બિલિયન) નું મૂડી નુકસાન સહન કર્યું છે. રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જો સોનાના ભાવમાં વધારો ચાલુ રહેશે, તો આ નુકસાન વધુ વધી શકે છે. અહેવાલ સૂચવે છે કે ભારત માટે પોતાની “રાષ્ટ્રીય ગોલ્ડ પોલિસી” બનાવવાનો સમય આવી ગયો છે.
રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. સોનામાં 48.6% વળતર મળ્યું છે, જ્યારે સેન્સેક્સમાં માત્ર 16.9% વધારો થયો છે. આ વધારાને કારણે, ગોલ્ડ યોજનામાં સરકારને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, જ્યારે રોકાણકારો ગોલ્ડ બોન્ડ ખરીદતા હતા, ત્યારે કિંમતો ઘણી ઓછી હતી, પરંતુ હવે, રિડેમ્પશન સમયે, સોનાની કિંમત અનેકગણી વધી ગઈ છે, જેના પરિણામે સરકારને હજારો કરોડનું નુકસાન થયું છે.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટ પર વિન્ટર શેડ્યૂઅલ અમલી : ફલાઈટનાં ટાઇમટેબલ 45 મિનિટથી 4 કલાક સુધી ખોરવાયા
નવી ગોલ્ડ પોલિસી શા માટે જરૂરી?
એસબીઆઇએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે સોનું હવે ભારત માટે માત્ર ઘરેણાંનો ટુકડો નથી, પરંતુ એક વ્યૂહાત્મક સંપત્તિ છે. ભારતમાં હાલમાં 880 ટન સોનાનો ભંડાર છે, જે દેશના કુલ વિદેશી હૂંડિયામણ ભંડારના આશરે 15% છે.
તુલનાત્મક રીતે, યુનાઇટેડ સ્ટેટ્સ અને જર્મની જેવા દેશોમાં, આ ગુણોત્તર 70-77% છે. ભારતની સોનાની 86% જરૂરિયાતો આયાત દ્વારા પૂરી થાય છે, જેનો અર્થ થાય છે કે દેશનું અર્થતંત્ર આંતરરાષ્ટ્રીય ભાવો પર ખૂબ નિર્ભર છે.
