ભારત સામે ટ્રમ્પ અંતે કુણા પડયા : 25% ટેરિફની યાદીમાંથી આ પેટ્રોલિયમ પેદાશોને બાકાત રાખવાની કરી જાહેરાત
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અંગે ધમાસાણ મચેલું છે અને વ્યાપારિક ખેંચતાણના માહોલ વચ્ચે એક રાહતભર્યા સમાચાર પણ બહાર આવ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે પરંતુ તેમાંથી ડીઝલ, વિમાન ઇંધણ અને અન્ય કેટલીક જરૂરી પેટ્રોલિયમ પ્રોડક્ટને 25 ટકા ટેરિફની યાદીમાંથી બહાર રાખ્યા છે.

આમ, ભારત સામે ડોનાલ્ડ ટ્રમ્પ કુણાં પડ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. બીજી બાજુ તેઓ ભારત સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતિ પર વાટાઘાટ ચાલુ પણ રાખવા માગે છે. એટલા માટે જ આવતા સપ્તાહે અમેરિકાના દક્ષિણ એશિયાની બાબતોના સલાહકાર રિકી ગીલ ભારત આવી રહ્યા છે તેમ અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ભારત ઉપર 25 ટકા ટેરિફની યાદીમાં મહત્વના પેટ્રોલિંગ પ્રોડક્ટને રાખવામાં કેટલીક બહાલ આવતા ભારતીય કંપનીઓને મોટી રાહત પણ મળી શકે છે. બીજી બાજુ આ મુદ્દા પર વાટાઘાટ પણ ચાલુ જ રહેવાની છે. સલાહકાર ભારતમાં આવીને બન્ને દેશો વચ્ચેનું ટેન્શન ઓછું કરવાનો પ્રયાસ કરવા માગે છે. ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાફ શબ્દોમાં એમ કહી દીધું છે કે, ભારત કોઈ પણ દેશના દબાણથી કોઈ કામ કરતું નથી. રાષ્ટ્રહિતમાં જે જરૂરી હશે તે જ પગલાં લેવામાં આવશે. આમ, ભારત અમેરિકા સામે ક્યારેય ઝૂંકશે નહીં તેવી સાફ વાત ભારત તરફથી કરી દેવામાં આવી છે અને સંસદમાં પણ આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : હેટ્રિક : મનીષ સૈનીને મળ્યો ત્રીજો નેશનલ ફિલ્મ એવોર્ડ, આ પહેલા પણ 2 ગુજરાતી ફિલ્મો માટે મળી ચુક્યો છે એવોર્ડ
આમ, ભારતના આક્રમક વલણને પારખીને અમેરિકાના પ્રમુખ ઢીલા પડી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપારની બાબતમાં બીજા કોઈ સારા સમાચાર પણ બહાર આવી શકે છે તેવી સંભાવના પણ છે. ભારત સાથે વેપાર કરારના મુદ્દા પર અમેરિકા વાતચીત આગળ વધારવા માગે છે તે પણ નક્કી છે. જો કે ભારત બિનવ્યવહારૂ શરતોને માનવા તૈયાર નથી.
