ટ્રમ્પે ગોલ્ડ કાર્ડના ફાયદા વર્ણવ્યા : ભારતીય વિદ્યાર્થીઓ માટે ગોલ્ડ કાર્ડ ખરીદવા કંપનીઓને કર્યો અનુરોધ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ગોલ્ડ કાર્ડ યોજનાના ફાયદ વર્ણવતા જણાવ્યું હતું કે આ યોજનાને કારણે અમેરિકામાં અભ્યાસ કરતા અને ઉચ્ચ બુદ્ધિમતા ધરાવતા સર્વશ્રેષ્ઠ તેજસ્વી વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં જ સ્થાઈ થઈ શકશે. તેમણે અમેરિકાની કંપનીઓને આવા વિદ્યાર્થીઓ માટે ગોલ્ડ કાર્ડ ખરીદવા અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે
એ યોજના હેઠળ પાંચ લાખ ડોલર એટલે કે અંદાજે 44 કરોડ રૂપિયા ખર્ચી ગોલ્ડ કાર્ડ મેળવનાર વિદેશી લોકોને અમેરિકન નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.
ટ્રમ્પે કહ્યું કે ભારત,ચીન,જાપાન સહિત વિશ્વના અનેક દેશોના વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરે છે. અહીં ભણેલા વિદ્યાર્થીઓ ભારતમાં જઈને અબજોપતિ બને છે. તેમણે ઉમેર્યું કે આવા વિદ્યાર્થીઓને અમેરિકન કંપનીઓ દ્વારા નોકરીની ઓફર કરવામાં આવે છે પણ તેમના સ્થાયી વસવાટ અંગેની અનિશ્ચિતતાને કારણે તેઓ પોતાના દેશમાં ચાલ્યા જાય છે.તેમણે આવા વિદ્યાર્થીઓને અમેરિકામાં જ રોકવા માટે તેમના વતી પાંચ લાખ ડોલરનું ગોલ્ડ કાર્ડ ખરીદવા અમેરિકાની કંપનીઓને સલાહ આપી હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકાની અનેક કંપનીઓ અને ખાસ કરીને સિલિકોન વેલીમાં આવેલી કંપનીઓએ ખાલી જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળતા હોવાની ફરિયાદ કરી હતી. આવા સંજોગોમાં આ વિદ્યાર્થીઓ વતી અમેરિકન કંપનીઓ ગોલ્ડ કાર્ડ ખરીદે તો એ વિદ્યાર્થીઓનો અમેરિકામાં કાયમી વસવાટ સુનિશ્ચિત બની શકશે તેવો મત ટ્રમ્પે વ્યક્ત કર્યો હતો.