ચોથી માર્ચથી કેનેડા-મેક્સિકો પરટેરીફ લાદવાની ટ્રમ્પની જાહેરાત
- વૈશ્વિક અર્થતંત્રનો ટેરિફ વોર યુગમાં પ્રવેશ
- કેનેડા પણ અમેરિકાને ભરી પીવા તૈયાર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો ઉપર ૨૫ ટકા ટેરિફ લાદવાની આપેલી ધમકી હવે વાસ્તવમાં અમલી બની રહી છે.તા. ૪ માર્ચથી એ બન્ને દેશો પર ટેરિફ લગાવવાની તેમ જ ર એપ્રિલથી | સમાન ટેક્સ લાદવાની ટ્રમ્પે ગુરુવારે સતાવાર જાહેરાત કરતા વૈશ્વિક અર્થતંત્ર હવે ટેરિફ વોર ના યુગમાં પ્રવેશી ગયું છે.ટ્રમ્પની આ જાહેરાતના ઘેરા પડઘા પડ્યા છે અને કેનેડાએ પણ વળતા ટેરિફ નાખવાની ચેતવણી આપી છે. આ ઉપરાંત ટ્રમ્પે ચીન [ ઉપર પણ વધારાના ૧૦ ટકા ટેરિફ ની ઘોષણા કરી હતી.
ટ્રમ્પે ગત મહિને કેનેડા અને મેક્સિકો ઉપર ૨૫ ટકા ટેરિફ નાખ્યા બાદ કેનેડાએ પ્રતિભાવ રૂપે અમેરિકાના અનેક ઉત્પાદનો ઉપર સામો ટેરિફ નાખ્યો હતો.મેક્સિકોએ પણ જેવા સાથે તેવાની નીતિ અપનાવી હતી. એ પછી એ બન્ને દેશોએ ગેરકાયદે પ્રવાસીઓ તેમ જ ડ્રગ ની દાણચોરી અટકાવવા માટે સરહદ પર પગલાં લેવાની ખાતરી આપતાં ટ્રમ્પે ટેરિફ નિર્ણય એક મહિના માટે મોકૂફ રાખ્યો હતો. જો કે હવે ટ્રમ્પે ફરી એક વખત એ શસ્ત્ર ઉગામ્યું છે. એ બન્ને દેશોમાંથી ડ્રગ અને ખાસ કરીને ફેન્ટાનિલ ની દાણચોરી હજુ પણ ચાલુ હોવાનો દાવો કરી તેમણે ૪થી માર્ચથી જ વધારાનો ટેરિફ લાગુ કરી દેવાનો ફેંસલો સંભળાવ્યો હતો.
અમે પણ વળતો જવાબ આપીશું: કેનેડાનો હુંકાર
બીજી તરફ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો એ પણ બાંયો ચડાવી છે.તેમણે કહ્યું કે ડ્રગ ની દાણચોરી અમારે ત્યાં પણ થાય છે. અમેરિકામાં રહેલા ફેન્ટાનિલ ના કુલ જથ્થામાં કેનેડાથી દાણચોરી દ્વારા ઠલવાતા એ ડ્રગનું પ્રમાણ૧ ટકા પણ નથી. માનવ અને ડ્રગની દાણચોરી અટકાવવા માટે કેનેડાએ ૧.૩ બિલિયન ડોલરના ખર્ચે આયોજન કર્યું છે.હેલિકોપ્ટરો અને ડ્રોન મારફત પેટ્રોલિંગ કરવામાં આવે છે. સરહદ પર દસ હજાર સૈનિકો ગોઠવી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ડ્રગનું દૂષણ કેનેડાને કારણે નથી. એ અમેરિકાની ઘરઆંગણાની સમસ્યા છે.તેમણે ઉમેર્યું કે અમે ઈચ્છીએ છીએ કે ટેરિફ વોર શરૂ ન થાય, પણ જો શરૂ થશે તો કેનેડા તેના માટે તૈયાર છે.જો ટ્રમ્પ કોઈ અનુચિત ટેરિફ લાદશે તો કેનેડા પણ અમેરિકી ઉત્પાદનો ઉપર એટલો જ ટેક્સ નાખશે તેવી તેમણે ચેતવણી આપી હતી.