રાજ્યમાં આગામી 48 કલાકમાં મેઘરાજા કરશે પધરામણી, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી પહેલા જ વરસાદની શરુઆત થઇ ચુકી છે ત્યારે રાજ્યના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં ચોમાસું ગુજરાતના દક્ષિણ કિનારે પહોંચી શકે છે. સામાન્ય રીતે ગુજરાતમાં 20 જૂનથી ચોમાસું શરૂ થાય છે, પરંતુ આ વખતે ચોમાસું સમય પહેલાં પહોંચે તેવી શક્યતા છે.
ગુજરાતમાં રવિવારે સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે, તેથી ચોમાસું ગુજરાતથી થોડું દૂર છે. ગુજરાતમાં હાલમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી ચાલી રહી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહી શકે છે.
ગુજરાતમાં આગામી 48 કલાકમાં ચોમાસું બેસી શકે છે
હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી 48 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પહોંચી જશે. આજે એટલે કે 10 જૂનથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. વાવાઝોડાની ગતિવિધિને કારણે હવામાન વિભાગે પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાકની હોવાનું અનુમાન લગાવ્યું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આજથી આગામી બે દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે, મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા,અરવલ્લી ,ખેડા, અમદાવાદ ,આણંદ, પંચમહાલ ,દાહોદ ,મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના જુનાગઢ ,અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથમાં વીજળીના ચમકારા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર વિસ્તારના અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણમાં વલસાડ, દાદરા નગર હવેલી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં વરસાદ પડ્યો છે. એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે.