ગ્લેમર દુનિયાથી કંટાળીને મમતા કુલકર્ણી સહિત આ 7 અભિનેત્રીઓએ ધર્મનો આશરો લીધો : ઈશ્વરના ચરણોમાં જીવન કર્યું સમર્પિત
ગ્લેમરની દુનિયામાં નામ કમાવવા માટે લોકો પોતાનાથી બનતા બધા પ્રયાસો કરે છે. આજના સમયમાં જાણે ગ્લેમર જ બધુ છે એવું લાગી રહ્યું છે. ત્યારે કેટલાક લોકો એવા છે જે લાંબા સમય સુધી આ ગ્લેમર સહન કરી શક્યા નહીં અને હવે તેમણે ભગવાનનો આશરો લીધો છે. તાજેતરનો જ કિસ્સો છે મમતા કુલકર્ણીનો જેઓ હાલ મહામંડલેશ્વર બની ગયા છે. આવી એક નહીં પણ અનેક અભિનેત્રીઓ છે ત્યારે ચાલો જાણીએ તેમના વિશે.
આ અભિનેત્રીઓ ગ્લેમર છોડીને ધર્મ તરફ વળી
એક સમયે ફિલ્મોમાં બોલ્ડ ભૂમિકાઓ ભજવનાર મમતા કુલકર્ણી હવે કિન્નર અખાડાના મહામંડલેશ્વર શ્રી યામી મમતા નંદગિરી મહામંડલેશ્વર બની ગઈ છે. મમતા પહેલા ઘણી અભિનેત્રીઓ ગ્લેમરસ દુનિયા છોડીને ધર્મના માર્ગે ચાલી છે. અહીં એવા 7 નામો છે જેમણે ગ્લેમરની દુનિયા છોડીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
મમતા કુલકર્ણી
મમતા કુલકર્ણી કરણ અર્જુન, સબસે બડા ખિલાડી, ક્રાંતિવીર, વક્ત હમારા હૈ જેવી ઘણી હિટ ફિલ્મોની નાયિકા રહી છે. 90ના દાયકામાં તે પોતાની બોલ્ડ ઇમેજ માટે પ્રખ્યાત હતી. તેમનું નામ અંડરવર્લ્ડ અને 2000 કરોડ રૂપિયાના ડ્રગ કેસમાં પણ સામે આવ્યું હતું. હવે તે મહામંડલેશ્વર છે. જોકે, મમતાનો દાવો છે કે તેમને ૧૯૯૬માં જ ફિલ્મો તરફ ઝુકાવ થઈ ગયો હતો. મમતાએ જણાવ્યું કે તેમણે વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૨ સુધી તપસ્યા કરી છે અને ૧૨ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યું છે.
નુપુર અલંકાર
૧૦૦ થી વધુ ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યા પછી, નુપુર હવે સંન્યાસીનું જીવન જીવી રહી છે. વર્ષ ૨૦૨૨ માં, તેમણે ઉદ્યોગ છોડી દીધો અને ભક્તિનો માર્ગ અપનાવ્યો. નુપુરે કહ્યું હતું કે લોકો માને છે કે વ્યક્તિ જીવનથી કંટાળી ગયો હોવાથી સન્યાસ લે છે. તેણીએ કહ્યું હતું કે તે તેના જીવનથી ખુશ છે પણ ધર્મના માર્ગ પર ચાલવા માંગે છે. તેણીએ તેના પતિ અને ઘર છોડી દીધું છે.
અનઘા ભોસલે
જ્યારે અનુપમા સિરિયલમાં કામ કરનારી અનઘા ભોંસલેએ ગ્લેમર દુનિયા છોડવાનો નિર્ણય લીધો, ત્યારે તેના ચાહકો દુઃખી થયા. તે મુંબઈ છોડીને પુણે ગઈ. આ પછી, તે ઘણીવાર વૃંદાવનમાં તેની રીલ્સમાં જોવા મળે છે. અનઘાએ પોતાનું જીવન કૃષ્ણની ભક્તિમાં સમર્પિત કર્યું છે અને તેનું નવું નામ રાધિકા ગોપી માતાજી છે.
ઝાયરા વસીમ
ઝાયરા વસીમે દંગલ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. તે ટૂંક સમયમાં દુનિયાની ચમક-ઝગમગાટ અને ગ્લેમરથી કંટાળી ગઈ. 2019 માં, તેણીએ તેણીના ડેબ્યૂના પાંચ વર્ષ પછી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મનોરંજન ઉદ્યોગ છોડવાના નિર્ણયની જાહેરાત કરી. ઝાયરાએ લખ્યું હતું કે તે કુરાન દ્વારા બતાવેલા માર્ગ પર ચાલશે.
બરખા મદન
૧૯૯૬માં આવેલી ફિલ્મ ‘ખિલાડીયોં કા ખિલાડી’માં અક્ષય કુમાર સાથે કામ કરનારી બરખા મદન ‘સાત ફેરે’ અને ‘ન્યાય’ જેવી સિરિયલોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી ચૂકી છે. બરખા 2012 માં નન બની હતી.
સના ખાન
બિગ બોસમાં ભાગ લેનાર સના ખાને પણ મનોરંજન ઉદ્યોગ છોડીને લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. આ પછી તેણીએ મુફ્તી અનસ સૈયદ સાથે લગ્ન કર્યા, હવે તેમને બે બાળકો પણ છે. સનાની જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તે હિજાબ અને નકાબમાં જોવા મળે છે અને ખુલ્લા કપડાં પહેરવાને પાપ માને છે.
સુચિત્રા સેન
મુનમુન સેનની માતા સુચિત્રા સેન 25 વર્ષ સુધી મનોરંજન ઉદ્યોગમાં કામ કરતી હતી. આ પછી તેમણે રામકૃષ્ણ મિશનને પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમનું અવસાન ૨૦૧૩માં થયું.