ઇઝરાયેલ – હેઝબોલ્લાહ વચ્ચે પૂર્ણ કક્ષાના યુદ્ધનો ખતરો
ઇઝરાયેલ માં 48 કલાકની ઇમરજન્સી જાહેર
લેબેનોન ઉપર ઇઝરાયેલ નો ભીષણ બોમ્બમારો
હેઝબોલ્લાહએ 320 રોકેટ અને ડ્રોન વરસાવ્યા
ઇઝરાયેલ અને લેબનોનસ્થિત ઈરાન દ્વારા સમર્થિત હેઝબોલ્લાહ વચ્ચેનું ઘર્ષણ પૂર્ણ કક્ષાના યુધ્ધમાં પલટાઈ જવાનો ગંભીર ખતરો સર્જાયો છે.હેઝબોલ્લાહ દ્વારા ઇઝરાયેલ ઉપર મોટો હુમલો કરવાની તૈયારી થઈ રહી હોવાના ઇન્ટેલિજન્સ રિપોર્ટ બાદ શનિવારે સવારે ઇઝરાયેલના 100 કરતાં વધારે જેટ ફાઈટર વિમાનોએ લેબેનોનમાં હેઝબોલ્લાહના હજારો રોકેટ લોન્ચરપેડ પર ભીષણ બોમ્બ વર્ષા કરી હતી.
વળતા જવાબ રૂપે હેઝબોલ્લાહએ 320 કરતા વધુ રોકેટ અને ડ્રોન વડે હુમલો કરતા મામલો ગંભીર બન્યો હતો.ઇઝરાયેલમાં 48 કલાકની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.શાળા અને કોલેજો બંધ કરી દેવાઈ હતી.તેલ અવીવનું એરપોર્ટ પણ બંધ કરી દેવાયુ હતું અને લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ વોર કેબિનેટ ની ઇમરજન્સી મિટિંગ બોલાવી હતી અને બાદમાં રસ બોલાના હુમલા ના અટકે તો લેબેનોન ઉપર વધુ હુમલા કરવાની ચીમકી આપી હતી.
ગત મહિને ઇઝરાયલે બેરૂતમાં હેઝબોલ્લાહના મીલીટરી કમાંડર ફુઆદ શુકર ને મારી નાખ્યો તેનો બદલો લેવાનો હેઝબોલ્લાહએ હુંકાર કર્યો હતો.ઇઝરાયેલ સેનાના પ્રવક્તા ના જણાવ્યા અનુસાર એ હુમલાને રોકવા માટે ઈઝરાયેલને આગોતરા હુમલા કરવાની ફરજ પડી હતી.એ હુમલા માટે ઉપયોગમાં લેવાનારા શસ્ત્રો અને લોન્ચ પેડનો નાશ કરી દીધો હોવાનો ઇઝરાયેલે દાવો કર્યો હતો.
બીજી તરફ હેઝબોલ્લાહએ 320 કરતા વધારે રોકેટ અને વિસ્ફોટકો ભરેલા ડ્રોન વડે ઉતર ઇઝરાયેલ પર હુમલો કરતા ઇઝરાયેલી નગરો સાયરનોથી ગાજતા રહ્યા હતા.ઇઝરાયેલના કહેવા મુજબ તે પૈકીના કેટલાક રોકેટ અને ડ્રોનને રસ્તામાંન આંતરી લેવામાં આવ્યા હતા. કેટલાક ઇઝરાયેલમાં ખુલ્લા મેદાનોમાં પડ્યા હતા અને કેટલાક રોકેટને કારણે નુકસાન અને કેટલાક નાગરિકોને ઈજા થઈ હતી.હેઝબોલ્લાહએ ઉત્તર ઇઝરાયેલમાં 11 લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો.
ઘટનાક્રમ ઉપર અમેરિકાની ચાંપતી નજર
અમેરિકાના ચેરમેન ઓફ જોઈન્ટ સ્ટાફ ઓફ ચીફસ,
યુએસ એરફોર્સ જનરલ ચાર્લ્સ બ્રાઉન શનિવારે પોતાની વણજાહેર કરાયેલી મધ્ય પૂર્વની મુલાકાતના ભાગરૂપે જોર્ડન પહોંચ્યા ત્યારે જ સામસામા હુમલાની આ ઘટના બની હતી .વ્હાઈટ હાઉસના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પ્રમુખ જો બાઈડેન આ ઘટનાઓ ઉપર નજર રાખી રહ્યા છે.તેમની સૂચના મુજબ ઊચ્ચ અધિકારીઓ ઇઝરાયેલ સાથે સતત સંપર્કમાં છે. તેમણે ઇઝરાયેલના સ્વરક્ષણના અધિકારને સમર્થન આપવની જાહેરાત કરી હતી.
હેઝબોલ્લાહ તરફથી દરરોજ હુમલા
ઇઝરાયેલ હમાસના યુદ્ધ વચ્ચે આઠમી સપ્ટેમ્બરથી હેઝબોલ્લાહ દ્વારા લેબેનોનમાંથી લગભગ દરરોજ ઇઝરાયેલ પર હુમલા થઈ રહ્યા છે.તેમાં અત્યાર સુધીમાં ઇઝરાયેલના 26 નાગરિકો અને 19 સૈનિકોના મૃત્યુ થયા છે. સામે પક્ષે ઇઝરાયેલે લેબેનોન અને સીરિયા ઉપર એર સ્ટ્રાઈક કરી અને હેઝ બોલના 428 તેમ જ અન્ય ત્રાસવાદી સંગઠનોના 73 આતંકીઓનો ખાતમો બોલાવી દીધો છે.