વાત 10 થી 15 % ટેરિફની થઇ હતી : રાષ્ટ્રહિતમાં જે યોગ્ય હશે તે મુજબ પગલાં લેવાશે, લોકસભામાં બોલ્યા પીયૂષ ગોયલ
અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા બુધવારે ભારત ઉપર ૨૫ ટકા ટેરિફ અને દંડ લાદવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે અને ગુરૂવારે લોકસભામાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે આ બારામાં મહત્વનું નિવેદન આપીને કહ્યું હતું કે, રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે ભારત દરેક પગલાં લેશે અને અત્યારે 25 ટકા ટેરિફની જાહેરાત અંગેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પની જાહેરાત મુજબ 1લી ઓગસ્ટથી એટલે કે આજથી જ ટેરિફનો અમલ શરૂ થયો છે. જો કે પિયુષ ગોયલે ગૃહમાં એવી માહિતી આપી હતી કે, અમેરિકા સાથે પાછલા સમય દરમિયાન બેઠકો થઈ હતી અને 10 થી 15 ટકા ટેરિફની જ વાત થઈ હતી પરંતુ ટ્રમ્પ દ્વારા 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.
ગોયલે એમ પણ કહ્યું કે, દ્વિપક્ષિય વેપાર સમજૂતિ બારામાં અમેરિકા સાથે સતત વાતચીત ચાલી રહી છે. સરકાર ૨૫ ટકા ટેરિફના એલાનની અસરનો અભ્યાસ કરે છે અને આ મુદ્દા પર ખેડૂતો, નિકાસકારો, MSME અને ઉદ્યોગ સંગઠનો સહિત તમામ હિતધારકો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સરકાર સ્વદેશી ઉદ્યોગની રક્ષા કરશે. રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે અને આગળ વધવા માટે સરકાર દરેક જરૂરી પગલાં લેશે.
આ પણ વાંચો : રાજકોટ લોકમેળો નહીં રાઈડ મેળો ! 50% પ્લોટ રાઇડ્સ માટે ફાળવાયા, ખાલી રહેલા સ્ટોલ-પ્લોટ RMC અને સેવાભાવી સંસ્થાઓને ફાળવાશે
પાંચ બેઠકો થઈ ચૂકી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષિય વેપાર કરાર સંપન્ન કરવાની દિશામાં અત્યાર સુધીમાં વાતચીતના પાંચ તબક્કા સંપન્ન થઈ ગયા છે અને હવે સંભવતઃ ૨૫મી
ઓગસ્ટે છઠ્ઠા તબક્કાની બેઠક પણ થઈ શકે છે. અમેરિકાની ટીમ 25મી ઓગસ્ટ પહેલાં ભારતમાં આવી શકે છે.
એમણે કહ્યું કે, દેશનું અર્થતંત્ર અત્યારે સાચી દિશામાં ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને વિશ્વમાં સૌથી મોટી પાંચ અર્થવ્યવસ્થાઓમાં ભારત સામેલ છે. દરેક ક્ષેત્રમાં અત્યારે પ્રગતિ થઈ રહી છે. આયાત-નિકાસમાં પણ વધારો યથાવત રહ્યો છે. ચિંતાની કોઈ વાત નથી.
ટેરિફ અંગે અત્યાર સુધી શું શું થયું ?
- બીજી એપ્રિલે ટ્રમ્પનો આદેશ આવ્યો અને ટેક્સને બરાબર કરવાની વાત કરી
- પાંચ એપ્રિલ એટલે 10 ટકાના બેઝલાઈન ડ્યુટી લાગુ કરવામાં આવી. આ 10 ટકા સાથે ભારત માટે કુલ 26 ટકા ટેક્સની જાહેરાત થઈ.
- 9 એપ્રિલથી આ સમગ્ર ટેક્સ લાગુ થવાનો હતો પણ 10 એપ્રિલે તેને 90 દિવસ માટે મુલતવી રાખી દેવાયો ત્યારબાદ 1 ઓગસ્ટ સુધી ડેડલાઈન વધારી.
- માર્ચમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતિને લઈને વાતચીત શરૂ થઈ.
ભારતને ઝટકોઃ પાકિસ્તાનના તેલ ભંડાર વિકાસમાં યએસની ભાગીદારી

અમેરિકાએ ભારતને વધુ એક ઝાટકો આપ્યો છે.ભારતને મિત્ર ગણાવતા ટ્રમ્પે ભારતના દુશ્મન પાકિસ્તાન સાથે એક મહત્વની સમજૂતી કરી છે જે અંતર્ગત પાકિસ્તાનના તેલ ભંડારો હવે અમેરિકા વિકસાવશે.બન્ને દેશો વચ્ચે એ બાબતે કરાર થઈ ગયા હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું.ટ્રમ્પે ભારતની ઠેકડી ઉડાવતા કહ્યું કે ભવિષ્યમાં ભારતને પાકિસ્તાન ઓઇલ વેચશે. ભારત પર ૨૫ ટકા ટેરિફ અને વધારાની પેનલ્ટી લાદ્યા બાદ ટ્રમ્પે બુધવારે પાકિસ્તાન સાથે મહત્વનો વેપાર કરાર કર્યો હોવાનું જાહેર કર્યું હતું. આ કરાર અંતર્ગત અમેરિકા અને પાકિસ્તાન સંયુક્ત રીતે પાકિસ્તાનના વિશાળ તેલ ભંડારોનો વિકાસ કરશે.
આ પણ વાંચો : New Rules in August : LPG, UPI થી FASTag સુધી…આ 7 મોટા ફેરફાર તમારા ખિસ્સાને કરશે અસર, જાણો શું બદલાશે
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ અંગેની માહિતી આપતાં લખ્યું, “અમે પાકિસ્તાન સાથે એક કરાર કર્યો છે, જેના અંતર્ગત પાકિસ્તાન અને અમેરિકા તેમના વિશાળ તેલ ભંડારના વિકાસ માટે સાથે મળીને કામ કરશે. અમે આ ભાગીદારીનું નેતૃત્વ કરનારી ઓઈલ કંપની પસંદ કરવાની પ્રક્રિયામાં છીએ. કોણ જાણે, કદાચ એક દિવસ પાકિસ્તાન ભારતને ઓઈલ વેચશે!” ટ્રમ્પના આ નિવેદને ભારતને આઘાત આપ્યો છે.એક તરફ તો ટ્રમ્પ ભારત અને મોદીને મિત્ર ગણાવે છે.આતંકવાદ સામેની ભારતની લડાઈમાં સાથે હોવાનો દાવો કરે છે અને બીજી તરફ ભારત જ્યારે પાકિસ્તાનને આતંકવાદને આશરો આપનાર દેશ ગણાવે છે ત્યારે જ ટ્રમ્પે પાકિસ્તાનને મિત્રતાનું આલિંગન કર્યું છે.ટ્રમ્પની આ જાહેરાતથી ભારત-અમેરિકા સંબંધો પર અસર પડે તેવી શક્યતા છે.
ઘણા દેશો અમેરિકાને ખુશ કરવા માટે તલપાપડ: ટ્રમ્પની બડાશ

ટ્રમ્પે કહ્યું કે ઘણા દેશો સાથે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. વ્હાઈટ હાઉસમાં અમે ખૂબ જ વ્યસ્ત છીએ. મેં ઘણા દેશોના નેતાઓ સાથે વાતચીત કરી છે.ઘણા દેશો અમેરિકાને અત્યંત ખુશ કરવા માંગે છે. તેમણે કહ્યું કે અનેક દેશો અમેરિકા સાથે વેપાર કરવા ઉત્સુક છે.તેમણે દક્ષિણ કોરિયા સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેની પર હાલ 25 ટકા ટેરિફ છે.દક્ષિણ કોરિયા હવે અમેરિકી ઉત્પાદનો પર ટેરિટ ઘટાડવા તૈયાર છે.તેમની ઓફર શું છે તે જાણવા પોતે ઉત્સુક હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ભારત ઉપર 25% ટેરીફ લગાવવાની જાહેરાત કર્યા બાદ ટ્રમ્પે ભારત સામે ખુલ્લો મોરચો માંડ્યો હોય તેમ ભારત અને રશિયાના સંબંધો સંદર્ભે અત્યંત અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમણે ભારતના અર્થતંત્રને મૃત અર્થતંત્ર ગણાવ્યું હતું અને સાથે જ રશિયાને પણ ધમકીઓ આપી હતી. આ પહેલા રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ ભારત ઉપર વધારાનો દંડ ફટકારવાની પણ જાહેરાત કરી ભારત-રૂસ મળી
હતી. ભારત-રશિયા સંબંધો પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું, “મને ભારત રશિયા સાથે શું કરે છે તેની ચિતા નથી. તેઓ તેમના મૃત અર્થતંત્રોને એકસાથે ડૂબાડી શકે છે.” ટ્રમ્પે ભારતના રશિયા સાથેના સંરક્ષણ અને ઊર્જા વેપારની પણ ટીકા કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો કે ભારત રશિયાનું સૌથી મોટું ઊર્જા ખરીદનાર છે અને તેનો મોટાભાગનો સૈન્ય સામાન પણ રશિયા પાસેથી ખરીદે છે. આ ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પે રશિયા અને યુકેન વચ્ચે યુદ્ધ બંધ કરાવવાનું બીડું ઝડપ્યું છે અને રશિયા તેમને કોઠું નથી આપી રહ્યું. ટ્રમ્પે રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દમિત્રી મેદવેદેવ પર પણ નિશાન સાધ્યું હતું. નોંધનીય છે કે દમિત્રી મેદવેદેવએ ટ્રમ્પની નીતિઓને “યુદ્ધ તરફનું પગલું’ ગણાવ્યું હતું. ટ્રમ્પે મેદવેદેવને “નિષ્ફળ રાષ્ટ્રપતિ’ કહીને તેઓ આપી ખૂબ જોખમી વિસ્તારમાં પ્રવેશી રહ્યા હોવાની ચેતવણી આપી હતી. યુક્રેન સાથે યુદ્ધ બંધ કરવાની 50 દિવસની ડેડલાઈન ઘટાડીને ટ્રમ્પે હવે 10-12 દિવસની નવી ડેડલાઈન આપી છે.
