પેરેલિસીસના નામે ‘નાટક’ કરી 40 લાખનો વીમો પકવવાનો ખેલ પડ્યો ઉંધો, ડૉક્ટર પણ સમગ્ર ઘટનામાં સામેલ
- જે રિપોર્ટ સાંજે 7 વાગ્યે લખ્યો તે સવારે 11ઃ43 વાગ્યે જ થઈ ગયો’તો
- ડૉક્ટર સાથે મળી 40 લાખનો વીમો પકવી લેવાનો ખેલ ઉંધો પડ્યો…!
- પેરેલિસીસ થયું જ ન્હોતું છતાં છેવટ સુધી ‘નાટક’ કર્યે રાખ્યું
- ટી-સ્ટોલ ધરાવતો શખ્સ અને તેના ફિઝિયોથેરેપીસ્ટ મીત્રનું કારસ્તાનઃ સિવિલ હોસ્પિટલના નકલી એમઆરઆઈ રિપોર્ટ પણ તૈયાર કર્યા
- એસ્યોરન્સ કંપનીએ `વૉચ’ ગોઠવી રંગેહાથ પકડી પાડતાં `સાહેબ અહીંથી પૂરું કરો, દેવું થઈ ગયું એટલે આવું કરવું પડ્યાનું’ રટણ કરવા લાગ્યાઃ એકની ધરપકડ
રાજકોટમાં 40 લાખની માતબર રકમનો વીમો પકવી લેવાનો એક ગજબનો કીમિયો પ્રકાશમાં આવ્યો હતો. એક આરોપી દેણામાં આવી જતાં ડૉક્ટર મીત્રને સાથે રાખી પેરેલિસીસ થયું હોવાની બીમારીનું `નાટક’ કર્યું અને વીમો પકવી લેવા માટે બોગસ ડૉક્યુમેન્ટ પણ જમા કરાવી દીધાં પરંતુ `ઉપર’ બેઠેલા વીમા કંપનીના અધિકારીએ એક જ મિનિટમાં કારસ્તાની પકડી પાડી રૂબરૂ તપાસ કરતાં આ બધું જ ખોટું હોવાનો ભાંડાફોડ થયો હતો જે બાદ ડૉક્ટર અને તેના મીત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.
આ અંગે અમદાવાદના પ્રહલાદનગરમાં રહેતા ડૉ.રશ્મિકાંત જયંતીલાલ પટેલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે ફિનિક્સ એસ્યોરન્સ પ્રા.લિ.ના એમડી તરીકે કાર્યરત છે. આ કંપની વિવિધ ઈન્સ્યોરન્સ કંપનીઓ માટે થર્ડ પાર્ટી ચકાસણી એજન્સી તરીકે છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે. હાલ તેમની પાસે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીનો વીમા ક્લેઈમ ચકાસણીનો કોન્ટ્રાક્ટ છે.
ગત તા.6-5-2024ના વીમા કંપની તરફથી રાજકોટના મયુર છુછાંર (ઉ.વ.30)નો વીમો પકવવા માટે કરાયેલા ક્લેઈમની ચકાસણી કરવાનો ઈ-મેઈલ મળ્યો હતો જેમાં દાવાની રકમ રૂા.40 લાખ ઉપરાંત મયુરનું આધારકાર્ડ, પાનકાર્ડ, પોલિસી કોપી, ક્લેઈ મફોર્મ કોપી, શ્રી સમર્પણ હોસ્પિટલ-રાજકોટનું દર્દીનું ઈનડોર કેસ પેપર, સિવિલ હોસ્પિટલ સહયોગ ઈમેજિંગ સેન્ટરમાં દર્દીએ કરાવેલો એમઆરઆઈ રિપોર્ટ, સદ્ગુરુ લેબોરેટરીના બ્લડ રિપોર્ટ, ડિસ્ચાર્જ સમરી તેમજ હોસ્પિટલનું બિલ સહિતના કાગળ હતા. આ કાગળોમાં મયુરની સારવાર કરનાર ડૉ.મનોજ સીડાએ કેસ પેપરમાં જણાવ્યું હતું કે મયુર છુંછારને શરીરે જમણી બાજુ પેરેલિસીસની અસર જોવા મળે છે પરંતુ સમર્પણ હોસ્પિટલના કેસ પેપરમાં ચોક્કસ નિદાન લખેલું ન હતું.
આશ્ચર્યની વાત એ છે કે સમર્પણ હોસ્પિટલમાં દર્દીનો દાખલ થવાનો સમય 17-4-2024ના સાંજે 7 વાગ્યાનો દર્શાવાયો હતો અને તેમાં ડૉ.મનોજ સીડા દ્વારા બ્લડ ટેસ્ટ કરાવવાનું સુચવ્યું હતું. જો કે આ બ્લડ ટેસ્ટ એ જ દિવસે સવારે 11ઃ43 વાગ્યે થઈ ગયો હોવાનું ધ્યાન પર આવ્યું હતું ! આટલું ઓછું હોય તેમ મયુર છુંછારનો એમઆરઆઈ રિપોર્ટ જોતાં તેમાં ડાબી બાજુ મગજમાં નસ બંધ થઈ ગયાની અને સ્ટ્રોકની અસર થઈ હોવાનું દર્શાવાયું હતું.
આ પછી ડૉ.રશ્મિકાંત મયુર છુંછારના ઘેર તપાસ કરવા માટે રાજકોટ આવ્યા ત્યારે મયુર પોતાના ઘરમાં લંગડાતો ચાલતો હતો. તેની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે તે ક્રિકેટ રમતો હતો ત્યારે ચક્કર આવતાં સિવિલ હોસ્પિટલના સહયોગ ઈમેજિંગ સેન્ટરમાં એમઆરઆઈ કરાવી સમર્પણ હોસ્પિટલમાં ત્રણ દિવસ સુધી દાખલ રહ્યો હતો. આ વેળાએ મયુરને 150 ફૂટ રિંગરોડ પર હાઈટેક ફિઝિયોથેરેપીસ્ટ તરીકે કાર્યરત ડૉ.અંકિત હિતેશભાઈ કાથરાણી કસરત કરાવી રહ્યો હતો.
અહીં પ્રક્રિયા પૂર્ણ કરી ડૉ.રશ્મિકાંત અને તેમની સાથે આવેલા ડૉ.રાજદીપ પરમાર ઘરની બહાર ખાનગી કારમાં છુપાઈને ચાર કલાક સુધી મયુર બહાર આવે છે કે નહીં તેની રાહ જોઈ હતી. સાંજે છએક વાગ્યે મયુર ઘરની બહાર નીકળ્યો અને મોટર સાઈકલ લઈને જતાં તેની પાછળ પાછળ આ બન્ને પણ ગયા હતા અને ત્યારે ધ્યાન પર આવ્યું કે તે રજવાડી ટી-સ્ટોલ આવતાં મયુર ત્યાં બાઈક પરથી ઉતરી ચા બનાવવા લાગ્યો હતો.
આ પછી બન્ને અધિકારીઓએ તેને રંગે હાથે પકડી પાડી ડૉ.અંકિતને પણ ત્યાં બોલાવી લેતાં બન્ને પોપટ બની ગયા હતા અને રટણ કરવા લાગ્યા હતા કે મયુર છુંછાર ઉપર દેણું થઈ ગયું હોય આવું કામ કર્યું હતું. એસ્યોરન્સ કંપનીના બન્ને અધિકારીઓ સમર્પણ હોસ્પિટલમાં તપાસ કરતાં મયુરની સારવાર ડૉ.મનોજ સીડા નહીં બલ્કે ડૉ.મેહુલ સોલંકીએ કરી હોવાના કાગળ મળ્યા હતા. આમ એક જ દર્દીને બે અલગ-અલગ ડૉક્ટર દ્વારા સારવારના કાગળો પણ હાથ લાગ્યા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરતાં ત્યાંથી મયુર દ્વારા કોઈ એમઆરઆઈ રિપોર્ટ કરાવ્યો હોવાનું ધ્યાન પર આવ્યું ન્હોતું.
આ ફરિયાદ નોંધાતાં જ ગાંધીગ્રામ પોલીસે ડૉ.અંકિત કાથરાણીની ધરપકડ કરી હતી જ્યારે મયુર છુંછારને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.