દિલ્હીના ભેદી વિસ્ફોટની જવાબદારી ખાલીસ્તાન સમર્થક સંગઠને સ્વીકારી
રીમોટ અથવા ટાઇમર સંચાલિત IED વડે વિસ્ફોટ
રાજધાની દિલ્હીના રોહિણી સેક્ટરના પ્રશાંત વિહાર વિસ્તારમાં રવિવારે સવારે સીઆરપીએફ પબ્લિક સ્કૂલ નજીક થયેલા પ્રચંડ વિસ્ફોટનો ભેદ હજુ પણ વણઉકેલ રહ્યો છે ત્યારે ટેલિગ્રામ ચેનલ પર એક ખાલીસ્તાન સમર્થક જૂથે આ હુમલાની જવાબદારી લીધી હતી.
રાજધાનીમાં થયેલા આ ભેદી વિસ્ફોટની તપાસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને નેશનલ સિક્યુરિટી ગાર્ડસ સહિતની વિવિધ એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. ટેલિગ્રામ ચેનલ પરના સંદેશા બાદ પોલીસે ખાલિસ્તાનવાદી તાણાવાણાની દિશામાં પણ તપાસનો દોર લંબાવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ રવિવારે રિમોટ અથવા ટાઇમર સંચાલિત IED દ્વારા આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તેમાં અણીદાર છરા કે બોલ બેરિંગ ન હોવાને કારણે કોઈ જાનહાની થઈ ન હતી. જો કે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે સીઆરપીએફ સ્કૂલની દિવાલમાં મોટું કાણું પડી ગયું હતું અને આસપાસ ની દુકાનો તથા ગાડીઓના કાચ તૂટી ગયા હતા. વિસ્ફોટક પદાર્થ શનિવારની સાંજે 7:00 વાગ્યા આસપાસ મૂક્યો હોવાનું કપાસ ની એજન્સીઓનું માનવું છે. આ વિસ્ફોટ સત્તાવાળાઓને ચેતવણી રૂપે કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. ભારત અને કેનેડા વચ્ચે હરદીપ સિંઘ નીજજરની હત્યા મામલે રાજદ્વારી સંઘર્ષ ઘેરો બન્યું અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ તેમાં લોરેન બિશ્નો ગેંગની સંડવણીની આશંકા દર્શાવી તે પછી
આ વિસ્ફોટ થયો તે ઘટનાને ઘણી સૂચક માનવામાં આવે છે.
જસ્ટિસ લીગ ઇન્ડિયાએ વિડિયો વાયરલ કર્યો
ટેલિગ્રામ ચેનલ પર ખાલીસ્તાન સમર્થક જસ્ટિસ લીગ ઇન્ડિયા નામના સંગઠનને આ હુમલાની જવાબદારી લેતો વિડીયો જારી કર્યો હતો. ” ખાલીસ્તાન ઝિંદાબાદ ” લખેલા વોટર માર્ક સાથે જારી કરાયેલા વીડિયોમાં લખવામાં આવ્યું હતું કે,” જો ભારતની કાયર એજન્સીઓ અને તેના આકાઓ એમ માનતા હોય કે ભાડૂતી ગુંડાઓ રાખીને અમારા સભ્યોનો અવાજ શાંત કરી શકાશે તો તેઓ મૂર્ખાની દુનિયામાં વસે છે. તેઓ એ કલ્પના પણ નથી કરી શકતા કે અમે તમારી કેટલી નજીક છીએ અને અમે હુમલો કરવા માટે ગમે ત્યારે કેટલા સક્ષમ છીએ”.આ મેસેજ મળ્યા બાદ તપાસનીશ એજન્સીઓએ જસ્ટિસ લીગ ઇન્ડિયા અંગે માહિતી મેળવવા ટેલિગ્રામ ચેનલનો સંપર્ક કર્યો હતો. બીજી તરફ કટરવાદી તત્વો વિસ્ફોટક મૂકવામાં અને તેને અંજામ આપવામાં સફળ રહ્યા તેને ખતરાની ઘંટી સમાન માનવામાં આવે છે. તહેવારો પૂર્વે જ થયેલા વિસ્ફોટને કારણે દેખીતી રીતે જ લોકોમાં ગભરાટનો માહોલ પ્રસર્યો છે.