રાહુલ ગાંધી હળાહળ હિન્દુ વિરોધી: ભાજપ
ભાજપના ટોચના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ મેદાનમાં
રાહુલ ગાંધીના ભાષણે ધમાસાણ મચાવ્યું છે. સંસદમાં તેમણે ભાજપના સભ્યો હિન્દુ જ ન હોવાનો આક્ષેપ કર્યા બાદ ભાજપ પુરી તાકાતથી રાહુલ ગાંધી પર તૂટી પડ્યો છે. ભાજપના ટોચના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ એ રાહુલ ગાંધી હિન્દુ વિરોધી હોવાના અને હિન્દુઓને નફરત કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. આખા હિન્દુ સમાજને હિંસક ગણાવી રાહુલ ગાંધીએ સમગ્ર હિન્દુ સમાજનું અપમાન કર્યું હોવાના આક્ષેપ કરી આ નેતાઓએ રાહુલ ગાંધીની માફીની માગણી કરી હતી.
સોમવારે સંસદની કાર્યવાહી પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ અને કિરણ રીજુ તથા ભાજપના રાજ્ય સભાના સભ્ય વિધાનસભા ત્રિવેદીએ પત્રકાર પરિષદ કરી રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપોના જવાબ આપ્યા હતા અને તેમના ભાષણને અત્યંત બે જવાબદારી ભર્યું ગણાવ્યું હતું. અગ્નિપથ યોજના અને અયોધ્યામાં વળતર અંગે રાહુલે કરેલા આક્ષેપો જુઠા હોવાનો પણ આ મંત્રીઓ એ દાવો કર્યો હતો.
શું કહ્યું ભાજપના નેતાઓએ?
જે.પી.નડ્ડા: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા એ રાહુલના ભાષણને હિન્દુઓ પ્રત્યેની નફરત અને જૂઠાણાઓથી ભરપૂર ભાષણ ગણાવ્યું હતું અને તેમની માફી ની માગણી કરી હતી. તેમણે X પર લખ્યું,”
પ્રથમ દિવસ, સૌથી ખરાબ શો! રાહુલ જૂઠું બોલે છે.તેમનો હિન્દુ દ્વેષ દેખાઈ આવ્યો છે. આજે તેમના ભાષણે બતાવ્યું છે કે ન તો તેઓ 2024 (તેમની સતત ત્રીજી હાર) ના આદેશને સમજી શક્યા છે અને ન તો તેમની પાસે કોઈ નમ્રતા છે. રાહુલ ગાંધીજીએ તમામ હિંદુઓને હિંસક ગણાવવા બદલ તાત્કાલિક માફી માંગવી જોઈએ. આ એ જ વ્યક્તિ છે જે વિદેશી રાજદ્વારીઓને કહેતી હતી કે હિંદુઓ આતંકવાદી છે. હિંદુઓ પ્રત્યેની આ આંતરિક નફરત બંધ થવી જોઈએ”
એસ.જયશંકર: વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ ટ્વીટ કર્યું,” આ હવે વિપક્ષના નેતા છે જે બધાને ભાઈચારો રાખવાનું કહે છે પણ હિંદુઓ પર હુમલો કરે છે.જેઓ ભારતીય સેનાના કલ્યાણ ની ચિંતા કરે છે પણ તેમની બહાદુરીની નિંદા કરે છે. જેઓ બંધારણના આદરનો ઉપદેશ આપતા કેબિનેટના નિર્ણયોને ફાડી નાખે છે. કોંગ્રેસ પાર્ટીના રાજકારણમાં આપનું સ્વાગત છે,”
યોગી આદિત્યનાથ :X પર હિન્દીમાં એક પોસ્ટમાં આદિત્યનાથે કહ્યું, “હિંદુ એ ભારતનો આત્મા છે. હિંદુ એ સહિષ્ણુતા, ઉદારતા અને કૃતજ્ઞતાનો પર્યાય છે. અમને ગર્વ છે કે અમે હિંદુ છીએ! પોતાને ‘આકસ્મિક હિંદુ’ કહેનારા અને મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિમાં ડૂબેલા જૂથના ‘રાજકુમાર’ને આ કેવી રીતે સમજાશે? તમારે વિશ્વના કરોડો હિન્દુઓની માફી માંગવી જોઈએ રાહુલજી! આજે તમે કોઈ સમુદાયને ને દુઃખ નથી પહોંચાડ્યું પરંતુ ભારત માતાની આત્માને દુઃખ પહોંચાડ્યું છે.”