વકફ બિલ અંગે જેપીસીની બેઠકમાં જો થઈ છે .. ..
ટીએમસીના કલ્યાણ બેનરજી અને ભાજપના સાંસદ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ : બેનરજીએ કાચની બોટલ પછાડતા ઘાયલ થયા !
વકફ બિલને લઈને મંગળવારે મળેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જી અને બીજેપી સાંસદ અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે જોરદાર ઘર્ષણ સાથે બોલાચાલી થઇ હતી. ગુસ્સામાં કલ્યાણ બેનર્જીએ પાણીની બોટલ પછાડી હતી અને તેઓ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. બેનરજીને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા.
જેપીસી બેઠકમાં બંને નેતાઓ વચ્ચે જોરદાર બોલાચાલી દરમિયાન કલ્યાણ બેનર્જીએ ઉગ્ર દલીલો દરમિયાન કાચની પાણીની બૉટલ તોડી નાખી, જેના કારણે તેમના હાથમાં ઈજા પહોંચી હતી. તેમના હાથમાં ચાર ટાંકા પણ આવ્યા છે. સંસદના પરિસરમાં આ બેઠક મળી હતી. ટક્કરને પગલે થોડીવાર માટે બેઠક રોકી દેવાઈ હતી.
સૂત્રોનું કહેવું છે કે, આ બેઠકમાં ઘણા નિવૃત્ત ન્યાયાધીશો, વરિષ્ઠ વકીલો અને બૌદ્ધિકો હાજર રહ્યા હતા. દરમિયાન અચાનક કલ્યાણ બેનર્જી ઉભા થયા અને બોલવા લાગ્યા. આ પહેલા પણ તેઓ ઘણી વખત બેઠકમાં બોલ્યા હતા. પરંતુ આ વખતે જ્યારે તેણે બોલવાનું શરૂ કર્યું ત્યારે અભિજીત ગંગોપાધ્યાયે વાંધો ઉઠાવ્યો હતો.
જ્યારે અભિજિત ગંગોપાધ્યાયે વાંધો ઉઠાવ્યો ત્યારે કલ્યાણ બેનર્જીએ તેમની વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન બંનેએ એકબીજા સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો અને ગુસ્સામાં કલ્યાણ બેનર્જીએ કાચની બૉટલ ઉપાડીને ટેબલ પર ફેંકી દીધી, જેના કારણે તેઓ ઘાયલ થયા હતા.