જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની નાપાક હરકત : કઠુઆમાં આતંકીઓ દ્વારા ત્રણ લોકોની ઘાતકી હત્યા
જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના ત્રણ દિવસથી લા પતા બનેલા એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરાયેલી લાશો મળી આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંઘે આ ઘટના આતંકવાદી કૃત્ય હોવાનું જણાવ્યું હતું. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ભયની લાગણી ફેલાઈ હતી. વાતાવરણ તંગ બનતા સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બનાવનાર વિરોધમાં બિલાવર ગામમાં બંધ પાડવામાં આવ્યો હતો. ઘટનાની તપાસ અંગે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. આતંકવાદીઓ એ વિસ્તારમાં જ છુપાયા હોવાની આશંકા સાથે સુરક્ષા દળોએ સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ કઠુઆના દેહાતા ગામે રહેતો વરૂણ સિંઘ ( ઉમર વર્ષ 14) અને મારહુન ગામે રહેતા તેના મામા યોગેશ સિંઘ ( ઉંમર વર્ષ 32) અને કાકા દર્શન સિંઘ (ઉંમર વર્ષ 40) બુધવારે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. દેહાતા ગામેથી સુરાગ ગામે જતી જાનમાં તેઓ જોડાયા હતા. જોકે જાન એક જંગલમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તે ત્રણે અચાનક અલગ પડી ગયા હતા. જાન સુરાગ પહોંચ્યા પછી તેઓ લાપતા થયા હોવાની જાણ થતા વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
એ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ, આર્મી, સીઆરપીએફ, એસઓજી અને સ્થાનિક સ્વયંસેવકોની ટુકડીઓએ સઘન શોધખોળ હાથ કરી હતી. એ દરમિયાન શનિવારે સવારે ત્રણેયના મૃતદેહ લોહાઈ મહાર વિસ્તારમાં એક નદી પાસેથી ઊંડા ખાડામાં મળી આવ્યા હતા. આતંકવાદીઓએ તેમનું અપહરણ કર્યા બાદ હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. જમ્મુ કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ ઘટના અંગે આઘાત વ્યક્ત કરી હત્યારાઓને કોઈપણ સંજોગોમાં પકડી અને કડક માં કડક સજા કરવાની ખાતરી આપી હતી. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંઘે આ બનાવને કાશ્મીરમાં અશાંતિ સર્જવાનું ષડયંત્ર ગુણાવ્યું હતું. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પણ આ મુદ્દે ભારે હંગામો થયો હતો.
અત્રે નોંધનીય છે કે આ અગાઉ 16મી ફેબ્રુઆરીના રોજ પણ દિલાવર તાલુકાના કોહાગ ગામમાંથી પણ 37 વર્ષના સમશેર અને 45 વર્ષના રોશનલાલ ની હત્યા કરાયેલી લાશ મળી હતી. એ બનાવ અંગે પણ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કઠુઆ જિલ્લાનો બિલાવર તાલુકો અત્યાર સુધી આતંકવાદથી મુક્ત હતો. હવે એ જ વિસ્તારમાં બનેલી આ બે રહસ્યમય ઘટનાઓને કારણે લોકોમાં ભારે ભયની લાગણી ફેલાઈ છે.
વધુ બે યુવાનો ગુમ થઈ ગયા
લાપતા બનેલા ત્રણ લોકોની હત્યા કરાયેલી લાશો મળ્યા ના બીજા જ દિવસે કઠુઆ જિલ્લાના જ રાજબાગ ગામમાંથી બે સગીરો લાપતા બનતા ભારે ચિંતાનો માહોલ છવાયો છે. લાપતા બનેલા તરુણો ના નામ મોહમ્મદ દિન અને રહેમાન અલી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતા પારખી પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સઘન શોધ ખોળ હાથ ધરવામાં આવી છે.