CTમાં ટીમ ઈન્ડિયાએ જીતી ૨૦ મેચ: પહેલી ટીમ બની, પાકિસ્તાનને હરાવતાંની સાથે જ બનાવ્યો રેકોર્ડ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પાકિસ્તાનને રગદોળીને સેમિફાઈનલ માટે લગભગ `ફાઈનલ’ થઈ ચૂક્યું છે. આ મેચમાં ભારત વતી વિરાટ કોહલી, શુભમન ગીલ, કુલદીપ યાદવ સહિતનાએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ ભારતે એક વિશ્વ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ૨૦ જીત હાંસલ કરનારી દુનિયાની પ્રથમ ટીમ બની છે. બાંગ્લાદેશ વિરુદ્ધ મળેલી જીત તેની ૧૯મી જીત હતી.
ભારત પહેલાં કોઈ પણ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ૨૦ જીત હાંસલ કરી નથી. બીજા નંબરે ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમ છે જેણે ૧૪-૧૪ મેચ જીતી છે તો પાકિસ્તાને ૧૧ મેચ જીતી છે.
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સફળ ટીમ પૈકીની એક છે. વર્ષ ૨૦૦૨માં ભારતે શ્રીલંકા વિરુદ્ધ ટ્રોફી શેયર કરી હતી. એ સમયે કોલંબોમાં શ્રીલંકા વિરુદ્ધ ફાઈનલ રિઝર્વ-ડે હોવા છતાં વરસાદને કારણે ધોવાઈ ગયો હતો એટલા માટે બન્ને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરાઈ હતી. આ પછી ૧૧ વર્ષ બાદ ૨૦૧૩માં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ટીમે ટ્રોફી ઉઠાવી હતી. શિખર ધવને એ ટૂર્નામેન્ટમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું.
ઑસ્ટે્રલિયા એકમાત્ર ટીમ છે જેણે બે વખત સળંગ ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી છે. તેણે વર્ષ ૨૦૦૬ અને ૨૦૦૯માં ટ્રોફી જીતી હતી. ૨૦૦૬માં તેણે વિન્ડિઝ અને ૨૦૦૯માં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. આફ્રિકાએ ૧૯૯૮માં ટ્રોફી જીતી હતી તો ન્યુઝીલેન્ડ ૨૦૦૦માં ચેમ્પિયન બન્યું હતું.