ટીબી ફરી વિશ્વનો સૌથી ઘાતક રોગ બન્યો : WHOના રિપોર્ટ મુજબ ટીબીના કારણે કોવિડ-19 કરતાં વધુ મૃત્યુ થાય છે.
એક તરફ ભારત સરકાર ટીબી નિર્મૂલન માટે અસરકારક કામગીરી કરવા ઝુંબેશરૂપે ટીબી રોકવા પ્રયત્નશીલ છે તેવા સમયે જ ભારતમાં ટીબીની બીમારીથી મૃત્યુનું પ્રમાણ વધ્યું હોવાનો રિપોર્ટ આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નવા “ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ 2024” અનુસાર, 2023માં 82 લાખ લોકો ટીબીથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે, 1995માં ટીબી સામે લડાઈ શરૂ થયા પછી સૌથી મોટો આંકડો છે. વર્ષ 2022માં 75 લાખ નવા કેસ સામે આવ્યા હતા.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2023માં ટીબીથી સંક્રમિત લોકોની અંદાજિત સંખ્યા 1.08 કરોડ હતી. જેમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમની બીમારી ઔપચારિક રીતે મળી નથી. જોકે, અંદાજિત અને નોંધાયેલા કેસો વચ્ચેનું અંતર ઘટીને 27 લાખ થઈ ગયું છે, જે કોવિડ-19 રોગચાળા દરમિયાન 40 લાખ સુધી પહોંચી ગયું હતું.
2023 માં 12.5 લાખ લોકો ટીબીથી મૃત્યુ પામ્યા હતા, જે 2022 માં થયેલા 13.2 લાખ મૃત્યુ કરતા થોડા ઓછા છે. તેમ છતાં, આ સંખ્યા 2023 માં કોવિડ -19 ને કારણે 3.2 લાખ મૃત્યુ કરતાં ઘણી વધારે છે. ટીબી હવે એચ.આઈ.વી ( HIV ) કરતા વધુ લોકોનો ભોગ લઈ રહ્યો છે. 2023માં એચઆઈવીના કારણે 6.8 લાખ લોકોના મોત થયા હતા, જ્યારે ટીબીના કારણે મૃત્યુ લગભગ બમણા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે,ટીબીને રોકવા, શોધવા અને સારવાર માટેના સાધનો હોવા છતાં, તે હજી પણ ઘણા મૃત્યુ અને દર્દીઓનું કારણ બની રહ્યું છે.” તેમણે તમામ દેશોને ટીબી સામે પગલાં ભરવાની અપીલ કરી હતી.
રિપોર્ટમાં કેટલાક સકારાત્મક સંકેતો પણ મળ્યા છે. ટીબી નિદાન અને સારવાર સંબંધિત સેવાઓ COVID-19 રોગચાળાની અસરમાંથી પુનઃપ્રાપ્ત થઈ રહી છે અને ટીબીથી થતા મૃત્યુમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ, તે હજુ પણ WHOન વ્યૂહરચના હેઠળ નિર્ધારિત લક્ષ્યાંકોથી ઘણું પાછળ છે. આ વ્યૂહરચના હેઠળ, 2025 સુધીમાં ટીબીના કેસોમાં 50 ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. 2015 અને 2023 ની વચ્ચે ટીબીના કેસમાં માત્ર 8.3 ટકાનો ઘટાડો થયો છે.
ટીબીની સૌથી વધુ અસર ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો પર થાય છે. વિશ્વમાં ટીબીના 87 ટકા કેસ 30 દેશોમાં છે. તેમાંથી ભારત, ઈન્ડોનેશિયા, ચીન, ફિલિપાઈન્સ અને પાકિસ્તાન સૌથી વધુ પ્રભાવિત છે. 2023 માં, ટીબીથી સંક્રમિત લોકોમાં 55 ટકા પુરુષો, 33 ટકા સ્ત્રીઓ અને 12 ટકા બાળકો અને કિશોરોનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબીના કેસોમાં સુધારો જોવા મળ્યો છે. સામાન્ય ટીબીના કેસોમાં સારવારનો સફળતા દર 88 ટકા છે, જ્યારે MDR/RR-ટીબીના કેસોમાં તે 68 ટકા સુધી પહોંચી ગયો છે.
ટીબીની સારવારમાં ખર્ચ મોટી સમસ્યા
ટીબીની સારવારનો ખર્ચ પણ મોટી સમસ્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 50 ટકા દર્દીઓ સારવાર દરમિયાન મોટા ખર્ચનો સામનો કરે છે, એટલે કે તેમનો સારવાર ખર્ચ તેમની આવકના 20 ટકાથી વધુ છે. આ સ્થિતિ ખાસ કરીને એવા દેશોમાં ખરાબ છે જ્યાં આરોગ્ય સેવાઓ મર્યાદિત છે.અહેવાલમાં ટીબી સેવાઓ માટે ભંડોળના અભાવને પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે. 2023 માં સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ સ્તરીય બેઠકમાં, લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું કે 2027 સુધીમાં, ટીબી સેવાઓ માટે દર વર્ષે 22 બિલિયન ડોલર એકત્ર કરવામાં આવશે. પરંતુ 2023માં માત્ર 5.7 બિલિયન ડોલરનું ભંડોળ ઉપલબ્ધ હતું, જે છેલ્લા ત્રણ વર્ષ કરતાં ઓછું છે અને કુલ જરૂરિયાતના માત્ર 26 ટકા છે.
2028 સુધીમાં ટીબીની રસી શોધાઈ જશે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટીબીની સારવાર અને નિદાનના ક્ષેત્રમાં નવી પ્રગતિ થઈ રહી છે. હાલમાં, 15 ટીબી રસીઓ વિકાસમાં છે, જેમાંથી 6નું ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આશા વ્યક્ત કરી છે કે 2028 સુધીમાં ઓછામાં ઓછી એક નવી અસરકારક ટીબી રસી ઉપલબ્ધ થઈ શકે છે.