સગીરા સાથે જાતીય સબંધ બાંધવાના દોષિતને સજા નહીં પણ મુક્તિ! POCSO કેસમાં સુપ્રીમ કોર્ટનો અસાધારણ નિર્ણય
ભારતની સર્વોચ્ચ અદાલતે એક અસાધારણ અને સીમાચિહ્નરૂપ ચુકાદામાં, POCSO એક્ટ હેઠળ નાની ઉંમરની છોકરી સાથે જાતીય સંબંધ રાખવા બદલ દોષી ઠેરવાયેલા એક પુરુષને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના આર્ટિકલ 142 હેઠળની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને “સંપૂર્ણ ન્યાય”ના સિદ્ધાંતને ધ્યાનમાં લીધો હતો.
આ કેસની વિગત એવી છે કે પશ્ચિમ બંગાળમાં 2018માં 14 વર્ષની સગીરા સાથે જાતીય સબંધ બાંધવા બદલ, એ સગીરાના પરિવારજનોની ફરિયાદ પરથી 25 વર્ષના એક યુવાન સામે POCSO એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો.બાદમાં એ પુરુષ અને પીડિતાએ લગ્ન કરી લીધા હતા.એ કેસમાં કોલકત્તાની અદાલતે આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી. તેની સામે આરોપીએ કરેલી અરજી બાદ આ કેસની સુનાવણી ચાલી જતા સુપ્રીમ કોર્ટે આ કેસના વિશિષ્ટ સંજોગોને ધ્યાનમાં લઈને, આર્ટિકલ 142નો ઉપયોગ કરીને દોષીતને સજામાંથી મુક્તિ આપી હતી. આર્ટિકલ 142 સર્વોચ્ચ અદાલતને એવા આદેશો જારી કરવાની સત્તા આપે છે, જે ન્યાયના હેતુને પૂર્ણ કરે, ભલે તે કાયદાની સામાન્ય પ્રક્રિયાથી અલગ હોય.
સર્વોચ્ચ અદાલતે કહ્યું, હવે કડક સજાથી વધુ અન્યાય થશે
ન્યાયમૂર્તિ અભય ઓકા અને ન્યાયમૂર્તિ ઉજ્જલ ભૂયાનની બેન્ચે કહ્યું કે પીડિતા હવે આરોપીની પત્ની છે. તેણે પોતે આ કૃત્યને ગુનો ન્હોતો માન્યો. પીડિતાને આ ઘટનાના કાનૂની પરિણામોને કારણે વધુ તકલીફ સહન કરવી પડી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે
“પીડિતાએ આને ઘોર ગુનો નથી ગણ્યો. સમાજે તેનું મૂલ્યાંકન કર્યું, કાનૂની વ્યવસ્થાએ તેને પરેશાન કરી, પરિવારે તેને ત્યજી દીધી. તેને જેનો સામનો કરવો પડ્યો તે હતી પોલીસ, કાનૂની વ્યવસ્થા અને આરોપીને સજાથી બચાવવા માટેની સતત લડાઈ.”
ન્યાયમૂર્તિ ઓકાએ કહ્યું કે પીડિતા આરોપી સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગઈ હતી. આ કેસને દરેક માટે આંખ ઉઘાડનારો ગણાવતાં, સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે તે કાનૂની વ્યવસ્થામાં ખામીઓને ઉજાગર કરે છે. કોર્ટે માન્યું કે બંને પક્ષો હવે લગ્નજીવનમાં સાથે છે ત્યારે આ કેસમાં કડક સજા આપવાથી વધુ અન્યાય થઈ શકે છે.
સર્વોચ્ચ અદાલતનો ચુકાદામાં માનવીય પાસાને પ્રાધાન્ય
સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય ન્યાયીક ઇતિહાસમાં મહત્વનો ગણાય છે, કારણ કે અદાલતે POCSO એક્ટની કડક જોગવાઈઓ અને વ્યક્તિગત પરિસ્થિતિઓ વચ્ચે સંતુલન સાધીને નિર્ણય લીધો હતો. કોર્ટે આ કેસમાં માનવીય અને વ્યવહારિક પાસાઓને પ્રાધાન્ય આપીને ન્યાયના વ્યાપક હેતુને ધ્યાનમાં રાખ્યો. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ન્યાયની વ્યાખ્યાને વધુ ઊંડી રીતે સમજવાની અને વ્યક્તિગત સંજોગોને ધ્યાનમાં લેવાની જરૂરિયાત દર્શાવે છે.
