તિરુપતિ લાડુ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ : ઘીમાં ભેળસેળ અંગેની તપાસ સ્વતંત્ર સીટ કરશે
સુપ્રીમ કોર્ટે આજે તિરુપતિ લાડુ વિવાદ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્રની માંગને ફગાવી દીધી હતી. આ સાથે કોર્ટે સ્વતંત્ર SIT તપાસનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ ગવઈએ કહ્યું કે અમે સ્વતંત્ર એસઆઈટીનું સૂચન કરીએ છીએ. જેમાં 2 સીબીઆઈ અધિકારીઓ, 2 રાજ્ય સરકારના અધિકારીઓ અને એફએસએસએઆઈના એક અધિકારીનો સમાવેશ કરવામાં આવે છે.
આ દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર થયેલા સોલિસિટર જનરલે કહ્યું કે તેમને કેસની તપાસ કરી રહેલી SITના સભ્યો પર પૂરો વિશ્વાસ છે. સોલિસિટર જનરલે કહ્યું કે તેમની સલાહ છે કે SIT તપાસ પર કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારી દ્વારા દેખરેખ રાખવી જોઈએ. જસ્ટિસ ગવઈએ કહ્યું કે જો પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં ભેળસેળનો આરોપ સાચો હોય તો તે ગંભીર બાબત છે.
રાજ્ય સરકારની SIT આરોપોની તપાસ નહીં કરે
કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારની SIT તિરુપતિ બાલાજી પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં ભેળસેળના આરોપોની તપાસ નહીં કરે. સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર SITની રચના કરી. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી SITમાં 2 CBI ઓફિસર, 2 આંધ્રપ્રદેશ પોલીસ ઓફિસર અને FSSAIનો એક અધિકારી હશે. સીબીઆઈ ડાયરેક્ટર દ્વારા તપાસ પર નજર રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે આ રાજકીય ડ્રામા બને. આ દુનિયાભરના કરોડો લોકોની ભાવનાઓ સાથે જોડાયેલો મામલો છે.
કોર્ટે 30 સપ્ટેમ્બરે કરી હતી આકરી ટિપ્પણી
આ પહેલા 30 સપ્ટેમ્બરે થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ બીઆઈ ગવઈ અને કેવી વિશ્વનાથનની ખંડપીઠે કહ્યું હતું કે જ્યારે સીએમ નાયડુએ પ્રસાદમાં ચરબીની તપાસ એસઆઈટીને સોંપી દીધી હતી તો તેમને મીડિયામાં જવાની શું જરૂર હતી. ઓછામાં ઓછું ભગવાનને રાજકારણથી દૂર રાખવું જોઈએ.
આ પહેલા 1 ઓક્ટોબરે આંધ્રપ્રદેશ પોલીસે SITની તપાસ અટકાવી દીધી હતી. રાજ્યના ડીજીપી દ્વારકા પ્રસાદે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ન થાય ત્યાં સુધી તપાસ અટકાવી દેવામાં આવી છે.