તામિલનાડુમાં ફરી એક વખત ભાષા મુદે રાજ્ય સરકાર અને ભાજપ સામસામે : કેન્દ્ર સરકારની ‘ત્રણ ભાષા’ નીતિ સામે વિરોધ
ભૂતકાળમાં ભાષા મુદ્દે અને હિંસક આંદોલનોના સાક્ષી બનેલા તામિલનાડુમાં ફરી એક વખત રાજ્ય સરકાર અને ભાજપ સામે આવી ગયા છે. ભાજપે કેન્દ્ર સરકારની ત્રણ ભાષાની નીતિના અમલ માટે 1 માર્ચથી રાજ્યવ્યાપી રેલી સહિતના કાર્યક્રમની જાહેરાત કર્યા બાદ ડીએમકે પણ સામે મોરચો માંડ્યો છે. તામિલનાડુના ઉપમુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને હિન્દી થોપી દેવાના આક્રમણ સામે અને તામિલ ભાષાના રક્ષણ માટે તામિલ પ્રજા ભાષા યુદ્ધ લડવા માટે તૈયાર હોવાનો પડકાર ફેંક્યો હતો.
તામિલનાડુમાં શૈક્ષણિક સંસ્થાઓમાં ઇંગલિશ અને તામિલ ભાષામાં અભ્યાસ કરાવવામાં આવે છે. આ અગાઉ 1930 અને 1960માં તામિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલન દરમિયાન હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. હવે ફરી એક વખત એ મુદ્દો સપાટી પર આવી ગયો છે.
તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જો તામિલનાડુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ન અનુસરે તો સમગ્ર શિક્ષણ મિશન હેઠળનું 2500 કરોડ રૂપિયાનું ભંડોળ નહિ આપવામાં આવે તેવી જાહેરાત કરી હતી.

એ જાહેરાતને પગલે ભડકો થયો છે. ભાજપના કાર્યક્રમો સામે ડીએમકે પણ રાજ્ય વ્યાપી વિરોધ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એવી જ એક રેલીમાં ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે તામિલનાડુ તેના ટેક્સના પૈસા અને અધિકારો માંગે છે. તેમણે ધર્મેન્દ્રપ્રધાને સંબોધીને કહ્યું કે અમે અમારા અધિકારના નાણાંની માગણી કરીએ છીએ તમારા પિતાજીના નાણાંની નહીં.
સ્ટાલિને ઉમેર્યું કે હિન્દી થોપવાને કારણે સ્થાનિક ભાષાઓ ભૂંસાઈ જાય છે. તેમણે બિહારી, ભોજપુરી અને હરિયાણવી ભાષાઓના ઉદાહરણ આપીને કહ્યું કે
અમે તમિલ ભાષાની એ દશા નહીં થવા દઈએ. તેમણે વધુમાં કહ્યું કે થાલામુથું નટરાજ અને કીઝાપાસુર ચિન્નાસામી જેવા લોકોએ રાજકારણ માટે નહીં પણ તામિલ ભાષાના રક્ષણ માટે શહીદી વ્હોરી હતી અને આજે પણ હજારો લોકો તામિલ રક્ષણ માટે બલિદાન દેવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તામિલનાડુમાં ભાજપ હજુ સુધી પગ જમાવી શક્યો નથી. 2016 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 234 બેઠક ઉપર ચૂંટણી લડ્યો હતો પણ તેનું ખાતું પણ નહોતું ખુલ્યું. 2021 માં ભાજપે 20 બેઠકો પર ઝંપલાવ્યું હતું અને ચાર બેઠક મેળવી હતી. જોકે 2019 અને 2024 ની સંસદની ચૂંટણીમાં પણ ભાજપ એક પણ બેઠક મેળવી શક્યો ન હતો. આ સંજોગોમાં ભાષાના મુદ્દે આંદોલન કરી ભારતીય જનતા પક્ષ તામિલનાડુમાં પોતાનો વ્યાપ વધારવા માંગે છે એવો આક્ષેપ થઈ રહ્યો છે.
તો હવે ‘મોદી ગેટ આઉટ’ ઝુંબેશ શરૂ થશે: ઉદયનિધિ સ્ટાલિન
ઉદયનિધિએ કહ્યું કે ભાજપ અમને ધમકી આપવાની કોશિશ ન કરે. આ દ્રવિડિયન ભૂમિ છે, આ પેરિયારની ભૂમિ છે. તામિલનાડુ તમારાથી ડરતું નથી. ગયા વર્ષે તમે તામિલ પ્રજાના અધિકાર છીનવવાની કોશિશ કરી ત્યારે ‘ગો બેક મોદી’ ઝુંબેશ ચાલી હતી. અને હવે જો તામિલનાડુને **સંખેડવાની કોશિશ કરી તો ‘ગેટ આઉટ મોદી’ આંદોલન શરૂ થશે.