અક્કલનું પ્રદર્શન કરવાનું કોઈ રાજકોટ મનપા પાસેથી શીખે !! જુઓ આવાસ માટેની અપીલ કરવાની સાથે બીજું શું કર્યું ??
- આવાસ જોઈતું હોય તેને એપ્લીકેશનમાં અરજી કરવા અપીલ કરી સાથે સાથે એમ પણ કહ્યું આમ થવાથી ફેરિયાો, ઝુંપડપટ્ટી-ફૂટપાથ પર રહેતા લોકોને લાભ મળશે
- આ લોકોને લાભ મળવાનું તંત્ર માની રહ્યું છે પણ વાસ્તવિક્તા એ છે કે આમની પાસે એપ્લીકેશન તો દૂર, મોબાઈલ પણ કદાચ નહીં હોય !
વોઈસ ઓફ ડે, રાજકોટ
મહાપાલિકાના અમુક નિર્ણયો જાણે કે અક્કલના પ્રદર્શન સમાન બની રહેતા હોય છે. અત્યાર સુધીમાં તંત્ર આવા અનેક નિર્ણય લઈ ચૂક્યું છે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ૨.૦ની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી મહાપાલિકા દ્વારા આવાસ માટે ઓનલાઈન સર્વેની સેવા શરૂ કરાયા બાદ તેમાં અક્કલનું દેવાળું જ ફૂંકવામાં આવ્યું છે. મહાપાલિકા એવું માની રહ્યું છે કે આ યોજનાનો લાભ સફાઈ કામદારો, શેરી ફેરિયાઓ, આંગણવાડી કાર્યકરો, ઝુપડપટ્ટીમાં રહેતા લોકો, ફૂટપાથ પર રહેતા લોકો, બાંધકામ કામદાર સહિતનાને મળશે.
હવે આશ્ચર્યની વાત એ છે કે ઉપરોક્ત પૈકીના અનેક લોકો એવા હશે જેમને મોબાઈલ ચલાવતા આવડતું નહીં હોય અથવા તો એમની પાસે મોબાઈલ જ નહીં હોય તો પછી આ લોકો ઓનલાઈન અરજી કરી કેવી રીતે શકશે ? અનેક લોકો એવા પણ હશે જેમની પાસે મોબાઈલ જ નહીં હોય ત્યારે તેમને આ યોજનાનો લાભ મળશે કેવી રીતે ? સામાન્ય રીતે મહાપાલિકા દ્વારા આવાસ યોજનાના ફોર્મ જાહેર કરાય એટલે ઓનલાઈન અને ઓફલાઈન એમ બે વ્યવસ્થા કરવામાં આવે છે જેથી ઓનલાઈન ફોર્મ ન ભરી શકનાર લોકો ઓફલાઈન ફોર્મ ભરી શકે પરંતુ વેબપોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે આવી કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી.
તંત્રના જણાવ્યા પ્રમાણે આ માટે લોકોએ મહાપાલિકાની વેબસાઈટ અથવા યોજનાની વેબસાઈટ કે પછી <https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PMAY_SURVEY/Eligiblitycheck.aspx> જે વેબસાઈટની લીન્ક છે તેના પર જઈને માહિતી મેળવી શકશે.
આ છે વાસ્તવિક્તા: ૩૭૬૩માંથી ૩૩૧૮ આવાસ ખાલી
મહાપાલિકા દ્વારા ૮૦ ફૂટ રોડ, ગોકુલનગર, ભગવતીપરા, પોપટપરા, પ્રેમમંદિર પાછળ સહિતના વિસ્તારોમાં છ જેટલી આવાસ યોજના તૈયાર કરવામાં આવી છે જેમાં એક બેડરૂમ, હોલ, કિચનથી લઈ ત્રણ બેડરૂમ, હોલ, કિચનની સુવિધા છે. આ પ્રકારે ૩૭૬૩ આવાસ તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી ૩૩૧૮ આવાસ ખાલી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે જે આવાસમાં લોકો રહે છે તેમાંથી અનેક પરિવાર એવા છે જેમણે આવાસ ભાડે ચડાવી દીધું છે. આ દિશામાં ચેકિંગ પણ કરાય છે પરંતુ તે નિયમિત થઈ રહ્યું ન હોવાને કારણે લોકોને મોકળું મેદાન મળી જવા પામ્યું છે.