તો અમે પણ હિંદુ મંદિરોના સર્વેની માંગણી કરીશું: ડો.આંબેડકરના પ્રપૌત્રની ચીમકી
સોમનાથ મંદિર હેઠળ બૌદ્ધ અવશેષો હોવાનો દાવો
ઉપાસના સ્થળનો કાયદો અમલમાં હોવા છતાં નીચલી અદાલતો દ્વારા ધાર્મિક સ્થળોના સર્વેનો આદેશ કરવો કે તે અંગેના કેસ સ્વીકારવા એ બંધારણનું અપમાન છે તેમ જણાવી ડો.બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર રાજરત્ન આંબેડકરે, જો અદાલતોનું આ વલણ ચાલુ રહેશે તો વિવિધ હિન્દુ મંદિરો નીચેની બૌદ્ધ વિરાસતો ઉજાગર કરવા માટે અરજીઓ દાખલ કરવાની ચીમકી આપી હતી.
રાજરત્ન આંબેડકર ભારતીય બૌદ્ધ સમાજના પ્રમુખ છે.અજમેરમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે,”અમે કોઈ સંઘર્ષ ઈચ્છતા નથી પરંતુ મંદિરોના સર્વે કરવાની પક્ષપાતભરી અરજીઓ પડકરવી જરૂરી છે.
પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991 હોવા છતાં, નીચલી અદાલત દ્વારા પૂજા સ્થાનોની તપાસ કરવાની માંગ કરતી અરજી સ્વીકારવી અને તેના પર નોટિસ જારી કરવી એ બંધારણનું અપમાન છે”. તેમણે ન્યાયતંત્રના માધ્યમથી બંધારણને હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
નોંધનીય છે કે અજમેરની દરગાહ એક શિવ મંદિર ઉપર બાંધવામાં આવી હોવાના દાવા સાથે એ સ્થળનો સર્વે કરવાની માંગણી કરતી અરજી સ્વીકારીને રાજસ્થાનની નીચલી અદાલતે દરગાહ કમિટી, માઈનોરીટી અફેર્સ મિનિસ્ટ્રી અને ભારતના પુરાતત્વ ખાતાને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી હતી. એ ઘટના બાદ ઉપાસના સ્થળના કાયદાના અર્થઘટન અંગે
ચર્ચા જાગી છે.
સોમનાથ અને તિરુપતિ બાલાજી મંદિર અંગે પુરાવા હોવાનો દાવો
ગુજરાતમાં સોમનાથ મંદિરની નીચે 12 ફૂટ નીચે બૌદ્ધ અવશેષો હોવાનું પુરાતત્વ નિષ્ણાતોએ જણાવ્યું હોવાનો દાવો કરીને રાજરત્ન આંબેડકરે કહ્યું કે, જો આવનારા સમયમાં ભારત સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર નહીં કરે તો અમે તપાસની માંગ કરતી પિટિશન દાખલ કરીશું. તેમણે ઉમેર્યું કે સોમનાથ મંદિર હોય કે તિરુપતિનું બાલાજી મંદિર અમારી પાસે પુરાવા છે.