આસામમાં શર્મસાર કરતી ઘટના : 14 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ, હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા
આસામના નગાઓન જિલ્લાના ધિંગ વિસ્તારમાં શુક્રવારે 14 વર્ષની એક બાળા પર સામુહિક બળાત્કાર થતાં ભારે તંગદીલી ફેલાઈ હતી.બનાવના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ જઘન્ય અપરાધના આરોપીઓને ઝડપી અને કડક સજા દેવાની લાગણી સાથે વેપારીઓ બંધ પાડ્યો હતો.પોલીસે આ બારામાં એક શખ્સની ધરપકડ કરી હતી આસામના મુખ્યમંત્રી હીમતા બિસ્વા સરમાએ એક હિંદુ બાળા સાથે થયેલા આ કૃત્યને ભયંકર અને ધૃણાસ્પદ ગણાવી દોષિતોને કડક માં કડક સજા આપવાની ખાત્રી આપી હતી.
પોલીસના જણાવ્યા મુજબ દસમાં ધોરણમાં અભ્યાસ કરતી આ બાળા સાયકલ પર ઘરે આવી રહી હતી ત્યારે બાઈક ઉપર આવેલા ત્રણ શખ્સોએ તેને ઘેરી લીધી હતી અને બાદમાં બળાત્કાર ગુજારી બેભાન બની ગયેલી ઇજાગ્રસ્ત બાળા ને તળાવ કિનારે રસ્તા પર ફેંકીને નાસી છૂટયા હતા.
આ ઘટનાની જાણ થતાં દરેક સમુદાયના હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.બનાવના વિરોધમાં નગરની બજારો બંધ થઈ ગઈ હતી.બનાવની ગંભીરતા પારખી આસામના ડીજીપી સિંઘ ધીંગ ગામે દોડી ગયા હતા.
બોક્સ
મુખ્યમંત્રીનો ‘ ચોક્કસ સમુદાય ‘
તરફ અંગુલીનિર્દેશ
પોલીસે આ કેસમાં એક શખ્સની ધરપકડ કરી છે.પોલીસે આરોપીનું નામ જાહેર નથી કર્યું પણ મુખ્યમંત્રી સરમા એ ભોગ બનેલી બાળા ને હિંદુ ગણાવી હતી અને દોષિતોને છોડવામાં નહીં આવે તેવો હુંકાર કર્યો હતો. તેમણે કહ્યું કે ધિંગમાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી.જે વિસ્તારોમાં મૂળ વસાહતીઓ લઘુમતીમાં આવી ગયા છે ત્યાં બધે આવા અપરાધો બને છે. તેમણે કહ્યું કે લોકસભાના પરિણામો બાદ એક ચોક્કસ સમુદાયના કેટલાક લોકો વધારે પડતાં ‘ સક્રિય ‘ બની ગયા છે અને આવા ગુનાઓને પ્રોત્સાહન મળે છે .છેલ્લા બે મહિનામાં મહિલાઓ સામે રાજ્યમાં 22 ગુના બન્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.