નરેન્દ્ર મોદીને કઠપૂતળી કહેવાનું કોને ભારે પડ્યું જુઓ
ભારતના ઉગ્ર વાંધા બાદ માલદીવ સરકાર દ્વારા તાબડતોબ ડેમેજ કન્ટ્રોલની કાર્યવાહી
પીએમ મોદીને વિદૂષક અને કઠપૂતળી કહેવાનું માલદીવના મંત્રીઓને ખૂબ ભારે પડ્યું છે. મંત્રીઓની પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર કરાયેલી વાંધાજનક ટીપ્પણીઓનો માલદીવમાં જ મોટો વિરોધ થઈ રહ્યો છે. ભારતના વાંધા બાદ હવે માલદીવ સરકારે પણ તત્કાળ જવાબ આપ્યો છે. માલદીવે બહાર પાડેલા સત્તાવાર નિવેદનમાં એવું કહેવાયું છે કે મંત્રી મરિયમ શિઉના દ્વારા કરાયેલી ટીપ્પણી તેમનો અંગત વિચાર છે અને તે માલદીવ સરકારનું પ્રતિનિધિત્વ નથી કરતી.
માલદીવના યુવા સશક્તિકરણના નાયબ મંત્રી મરિયમ શિઉનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘જોકર’ અને ‘કઠપૂતળી’ ગણાવ્યા હતા. વિરોધ બાદ તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી હતી. અન્ય એક મંત્રી ઝાહિદ રમીઝ સહિત માલદીવના અન્ય અધિકારીઓએ તસવીરો સાથે વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાતની મજાક ઉડાવી હતી. તેમણે એક ટ્વીટ શેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે- પીએમ મોદીનું આ પગલું માલદીવ માટે મોટો ઝટકો છે અને લક્ષદ્વીપમાં પર્યટનને વેગ આપશે. મંત્રી જાહિદ રમીઝે કહ્યું, “આ પગલું ખૂબ જ સારું છે. જો કે, આપણી સાથે સ્પર્ધા કરવાનો વિચાર ભ્રામક છે. અમે પ્રદાન કરીએ છીએ તે સેવા તેઓ કેવી રીતે પ્રદાન કરી શકશે? તેઓ આટલા બધા સ્વચ્છ કેવી રીતે હોઈ શકે?”
પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે માલદીવના મંત્રીઓની પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાતની મજાક ઉડાવવાની ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે મંત્રી મરિયમ શિઉના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ભાષા ભયાનક છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે માલદીવની સુરક્ષા અને સમૃદ્ધિ માટે ભારત એક મુખ્ય ભાગીદાર છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, “માલદીવના સરકારી અધિકારી મરિયમ શિઉનાએ માલદીવની સુરક્ષા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ એવા મુખ્ય સાથીના નેતા પ્રત્યે કેવી ભયાનક ભાષા બોલી છે.” મોહમ્મદ મુઇઝઝુ સરકારે આ ટિપ્પણીઓથી પોતાને દૂર રાખવી જોઈએ અને ભારતને સ્પષ્ટ ખાતરી આપવી જોઈએ.