સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા અમદાવાદની મહિલાએ શું બનાવ્યું જુઓ…
કલ કે કરોડપતિ શૉ સ્ટાર્ટઅપ ક્ષેત્રે સર્જશે ક્રાંતિ
સામાન્ય રીતે મધ્યમ વર્ગના લોકોનું સપનું હોય છે કે ભણી-ગણીને તેઓ નોકરી કરે. બિઝનેસ કરવાનો વિચાર આવે ખરો. પરંતુ નાણાંના અભાવે બિઝનેસ કરવાના સપનાને સળગાવી દેવા પડે. આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરી રહ્યા છીએ જેમણે નોકરી છોડીને બિઝનેસમાં ઝંપલાવ્યું. એટલું જ નહીં બિઝનેસ કરવાનું વિચારતા યુવાનો માટે એક એવો ટીવી શૉ બનાવ્યો કે જેનાથી સ્ટાર્ટઅપ શ્રેત્રે ક્રાંતિ સર્જાશે. આ મહિલા છે અમદાવાદના અલકાબેન ગોર.
અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં રહેતા અલકાબેને 2005 માં એમએ બી.એડ. નો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે હિંમતનગરની એક ખાનગી શાળામાં 4 વર્ષ શિક્ષક તરીકે ફરજ બજાવી. એ પછી સમય સંજોગ વર્ષ 2020માં અમદાવાદમાં શિફ્ટ થવાનું થયું. આ વખતે નોકરીના બદલે પોતાનું કંઇક શરૂ કરવાનું વિચાર્યું. હેલ્થી ફૂડના ઓનલાઇન બિઝનેસને લઇ લઇ તેમણે એક પ્લાન બનાવ્યો. આ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ હતો. તેથી કેટલાક એન્જલ ઇન્વેસ્ટર્સ અને વેન્ચર કેપિટલ ફર્મનો સંપર્ક કર્યો. પરંતુ ફૂડ એન્ડ બેવરેજિસ સ્ટાર્ટઅપમાં સીડ ફંડિંગ માટે કોઈએ તૈયારી ન દર્શાવી.
અલકાબહેનેને પહેલેથી જ શાર્ક ટેન્ક શો જોવાનો ખૂબ શોખ હતો. તેથી તેમણે વિચાર્યું કે, તેમના જેવા કેટલાય લોકો બિઝનેસના નવા આઈડિયા લઇને ઇન્વેસ્ટર્સની ઓફિસના પગથિયા ઘસતા હશે. જો આવા યુવા ઉદ્યમીઓ માટે એક સારું પ્લેટફોર્મ ઉભું કરવામાં આવે તો તેમને ફંડ મળવાની સાથે મેન્ટરશીપ પણ મળી રહે. આ વિચાર સાથે જન્મ થયો કલ કે કરોડપતિ નામના ટીવી કાર્યક્રમનો. તેમણે કલ કે કરોડપતિ નામનો એક રિયાલિટી શો શરૂ કરવાનું વિચાર્યું હતું. બીજી તરફ અમદાવાદના વેન્ચર બિલ્ડર મિલાપસિંહ જાડેજા પણ આવો જ એક શો બનાવવાનું વિચારી રહ્યા હતા. એક મિત્રની મદદથી અલકાબેન ગોર અને મિલાપસિંહની મુલાકાત થઈ હતી. મુલાકાતને અંતે તેમણે આ શો નું નિર્માણ કરવાનું નક્કી કર્યું હતું. તેમના આ રિયાલિટી શો માટે ફિલ્મ સ્ટાર સુનિલ શેટ્ટીએ પણ સાથ આપ્યો. આ શૉ હિંદી ભાષામાં બન્યો છે અને તેનું પ્રસારણ નેશનલ ટેલિવિઝન પર ટૂંક સમયમાં થશે. તેનું પ્રથમ ચેપ્ટર કે એની પ્રથમ સીઝન ગુજરાતના સ્ટાર્ટઅપ્સને કેન્દ્રસ્થાને રાખીને બની છે. આગળ જતાં રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત રાજ્યોને ધ્યાનમાં રાખી શો બનાવવા તૈયારી ચાલી રહી છે.
શોના કો-પ્રોડ્યુસર અલકા ગોરે શોની ગુણવત્તા તેમ જ સફળતા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું, “ગુજરાતમાં આવો અનોખો અને અવ્વલ શો બન્યો છે એ સાત કરોડ ગુજરાતીઓ માટે, આખા દેશ માટે ગૌરવની બાબત છે. આશાસ્પદ બિઝનેસ માટે આ શો આવશ્યક ભંડોળ મેળવીને આગેકૂચ કરવાનું કામ આસાન કરી આપશે. મને ખાતરી છે કે આ શો પોતાના ક્ષેત્રમાં દેશના એક સર્વોત્તમ પ્લેટફોર્મ તરીકે પ્રસ્થાપિત થશે. ‘કલ કે કરોડપતિ’ના ઉપક્રમે શોના આગમન પહેલાં જ સ્ટાર્ટઅપ્સને રૂપિયા 15 કરોડ જેટલી માતબર રકમ વિવિધ વેપાર માટે ફાળવી દેવામાં આવી છે.”
આ પ્રકારના અન્ય શોઝથી સદંતર જુદું અને મનોરંજક માળખું ‘કલ કે કરોડપતિ’નું છે. પહેલી સીઝન માટે ગુજરાતભરમાંથી 500થી વધુ બિઝનેસ પ્રપોઝલ્સ અને વિચારોને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. એમાંથી 27 મૌલિક આઇડિયાઝ ધરાવતા સ્ટાર્ટઅપ્સને શોમાં ઝળકવાની તક આપવામાં આવી હતી. તમામને રોકાણકારોની પેનલ સમક્ષ પોતાના બિઝનેસની ખાસિયતો અને એના ઉજળા ભવિષ્યની રજૂઆત કરવાની તક પ્રદાન કરવામાં આવી હતી. એ માટે દરેકને ત્રણ મિનિટની લાઇવ પીચનો સમય પણ ફાળવવામાં આવ્યો હતો. આ શો વિશે વેન્ચર બિલ્ડર મિલાપસિંહ જાડેજાએ કહ્યું કે, “કલ કે કરોડપતિ ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ભારતના વિશાળ ઉદ્યોગ સાહસિક લેન્ડસ્કેપને પ્રોત્સાહન આપવાની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. અમને આશા છે કે આ પહેલ સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને સ્ટેક હોલ્ડર્સને નેટવર્કિંગ, ચર્ચા-વિચારણા કરવા તેમ જ ફંડ એકત્ર કરવાની તકોને પ્રોત્સાહન આપતું વિશિષ્ટ પ્લેટફોર્મ તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવશે.”
