તાવ, BP, ડાયાબિટીઝ સહિતની બિમારીઓની 78 દવાઓના સેમ્પલ ફેલ
હિમાચલ અને ગુજરાત સહિતના રાજ્યોમાંથી ૧૦૦૮ દવાઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા : ફાર્મા કંપનીઓને નોટિસ પાઠવી દવા પછી ખેંચવા આદેશ
જો તમે તાવ આવે અને સામાન્ય દવા લો છો તો થોડી ચેતવાની જરુર છે કારણ કે કેન્દ્રિય ઔષધી માનક નિયંત્રણ સંગઠન(CDSCO)ની તપાસમાં 25 દવા ઉદ્યોગોમાં નિર્માણ થયેલ 40 દવાઓ અને ઈન્જેક્શન સબ-સ્ટાન્ડર્ડ મળી આવેલ છે. આ દવાઓમાં અસ્થમા, તાવ, ડાયાબિટીઝ, હાઈ બીપી, એલર્જી, ખાંસી, એન્ટીબાયોટિક, બ્રોન્કાઈટિઝ અને ગેસ્ટ્રિક જેવી બિમારીઓના ઉપચારમાં વપરાતી દવાઓ સામેલ છે. આ સિવાય કેલ્શિયમ સપ્લીમેન્ટ સહિત મલ્ટી વિટામિન પણ તપાસમાં ફેલ સાબિત થયા છે.
સીડીએસસીઓએ ડ્રગ એલર્ટ જાહેર કર્યું હતું. આમાં આ ખુલાસો થયો છે. સબ-સ્ટાન્ડર્ડ મળી આવેલી દવાઓ હિમાચલ પ્રદેશના બદ્દી, બારોટીવાલા, નાલાગઢ, સોલન, કાલા અંબ, પવના સાહિબ, સંસારપુર ટેરેસ સ્થિત ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં બનાવવામાં આવી હતી. આ સિવાય ઉત્તરાખંડ, પંજાબ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મુંબઈ, તેલંગાણા, દિલ્હીમાં આવેલી ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદિત 38 પ્રકારની દવાઓના સેમ્પલ પણ ટેસ્ટમાં ફેલ થયા છે.
CDSCO દ્વારા જારી કરાયેલા ડ્રગ એલર્ટમાં સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરાયેલી 50 ટકાથી વધુ દવાઓ હિમાચલની ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં બનાવવામાં આવે છે. ડિસેમ્બર મહિનામાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને દેશના વિવિધ રાજ્યોમાંથી 1008 દવાઓના સેમ્પલ એકત્ર કર્યા હતા, જેમાંથી ટેસ્ટિંગ દરમિયાન 78 દવાઓ સબ-સ્ટાન્ડર્ડ મળી આવી હતી, જ્યારે 930 દવાઓ ગુણવત્તાના ધોરણોમાં પાસ થઈ હતી. આ દવાઓના નમૂનાઓ હિમાચલ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, સીડીએસસીઓ બદ્દી, ઋષિકેશ, ગાઝિયાબાદ, બેંગ્લોર, કોલકાતા, ચેન્નાઈ, મુંબઈ, ગાઝિયાબાદ, અમદાવાદ, હૈદરાબાદ અને ડ્રગ વિભાગ દ્વારા પરીક્ષણ માટે એકત્રિત કરવામાં આવ્યા હતા, જેનું સીડીએલ લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ અહેવાલ હવે જાહેર કરવામાં આવ્યો હતો.
દવાની ચેતવણીમાં સમાવિષ્ટ તમામ સંબંધિત ફાર્માસ્યુટિકલ કંપનીઓને કારણ બતાવો નોટિસ પાઠવીને સંબંધિત બેચનો સમગ્ર સ્ટોક પાછો મંગાવવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જે ઉદ્યોગોના સેમ્પલ વારંવાર ફેલ થઈ રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કઈ-કઈ દવાઓના સેમ્પલ થયા ફેલ?
ડિસેમ્બર ડ્રગ એલર્ટમાં ઉપયોગમાં લેવાતી દવાઓ મોન્ટેલુકાસ્ટ સોડિયમ અને લેવોસેટીરિઝિન ડાયહાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ્સ, ટેલ્મિસર્ટન ટેબ્લેટ્સ, પ્રીગાબલિન ટેબ્લેટ્સ, સાઈપ્રોહેપ્ટાડીન એચસીએલ અને ટ્રાઇકોલિન સાઇટ્રેટ સીરપ, સોડિયમ વાલપ્રોએટ ટેબ્લેટ્સ, એ પેનિસિલિન કેપ્સ્યુલ્સ, એમોક્સિસિલિન ટ્રાઈહાઈડ્રેટ કેપ્સ્યુલ્સ, એસ્કોર્બિક એસિડ + ઝિંક કેપ્સૂલ, ટ્રિપ્સિન, બ્રોમેલેન અને રુટોસાઈડ ટ્રાઈહાઈડ્રેટ ટેબ્લેટ, એ બ્રોક્સોલ. હાઈડ્રોક્લોરાઈડ, ટરબુટાલાઈન સલ્ફેટ, ગુઈફેનસિન અને મેન્થોલ સિરપ સામેલ છે.