સલમાન ખાનના પિતાને ધમકી, પણ વાત જુદી જ નીકળી !!યુવકે ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા આ હરકત કરી હોવાનું ખૂલ્યું
લોરેન્સ બિશ્નોઈ એક એવું નામ છે જે આજકાલ હેડલાઈન્સમાં છે. સલમાન ખાનના ઘર પર થયેલા હુમલામાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું. આ પછી સલમાન ખાનના પિતા સલીમ ખાનને મોર્નિંગ વોક દરમિયાન ધમકી આપવામાં આવી હતી. સલીમ ખાનને બુધવારે લોરેન્સ ગેંગના નામે આ ધમકી મળી હતી. ત્યારબાદ આ મામલે એક નવો ખુલાસો સામે આવ્યો હતો.
ધમકી આપતી વખતે સલીમ ખાનને કહેવામાં આવ્યું – સરખી રીતે રહો નહીં તો હું લોરેન્સ બિશ્નોઈને મોકલી દઉં? આ મામલે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી પોલીસે ગર્લફ્રેન્ડ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ કેસમાં ખુલાસો થયો છે કે તેની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે આરોપીએ સલીમ ખાનને મોર્નિંગ વોક કરતી વખતે પૂછ્યું હતું કે, શું લોરેન્સ બિશ્નોઈને મોકલું ? યુવકની ગર્લફ્રેન્ડ બુરખો પહેરેલી હતી.
ફિલ્મ અભિનેતા સલમાન ખાનના કાફલામાં એક બાઇક સવાર મંગળવારે રાત્રે તેની ખૂબ નજીક આવ્યો હતો. મોડી રાત્રે સલમાન ખાન બાંદ્રા સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક બાઇક સવાર તેના કાફલાની પાછળ આવી રહ્યો હતો. જે બાદ સલમાન ખાનના સિક્યોરિટી ગાર્ડે તેને પકડીને બાંદ્રા પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો.
જ્યારે પોલીસે ઝીણવટભરી તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે બાઇક સવારને ખબર ન હતી કે તે સલમાન ખાનનો કાફલો છે. તે કાફલાને જોવા માટે જ સાથે ચાલી રહ્યો હતો. પોલીસે બાઇક સવાર સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધ્યો છે. પૂછપરછ બાદ તેને છોડી દેવામાં આવ્યો છે. બાઇક સવાર હૈદરાબાદનો રહેવાસી છે.