રીન્યુએબલ એનર્જી એ માત્ર વિકલ્પ નથી, આજના સમયની જરૂરિયાત છે : ઉપરાષ્ટ્રપતિ ધનખડ
વડાપ્રધાનના ‘વન સન, વન અર્થ, વન ગ્રીડ’ ના વિઝનને આ સમિટ નવી દિશા આપશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
“RE INVEST-2024” સમિટનો સમાપન સમારોહ યોજાયો
ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા આયોજિત “RE INVEST-2024” સમિટનો સમાપન સમારોહ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની અધ્યક્ષતામાં યોજાયો હતો. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે RE INVEST-2024ના સમાપન સમારોહમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના મહત્વ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના આ સમયગાળામાં પુન:પ્રાપ્ય ઊર્જા એ માત્ર વિકલ્પ નથી, પરંતુ આજના સમયની જરૂરિયાત છે. કારણ કે, તેની સાથે સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ સંકળાયેલું છે. પર્યાવરણનું જતન કરીને સમગ્ર વિશ્વને બચાવવા માટે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારતે વૈશ્વિક મહાયજ્ઞનું આહ્વાન કર્યું છે, જેમાં પુનઃપ્રાપ્ય ઊર્જાને અપનાવીને દરેક નાગરિક આહુતિ આપે, તેવો તેમણે અનુરોધ કર્યો હતો.
આ સીમાચિહ્ન રૂપ આયોજનમાં લગભગ ૨૫૦થી વધુ વિષય નિષ્ણાત વક્તાઓ અને એટલી જ સંખ્યામાં ડેલીગેટ્સ પણ સહભાગી થયા છે. ગુજરાતમાં આયોજિત આ કાર્યક્રમમાં ત્રણ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં નાગરિકોએ સહભાગિતા નોંધાવી છે, છે ખરેખર સરાહનીય બાબત છે. આવા વૈશ્વિક આયોજન માટે ઉપરાષ્ટ્રપતિએ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રિ-ઈન્વેસ્ટના સમાપન સમારોહમાં કહ્યું હતું કે, વર્તમાનમાં ગ્લોબલ વૉર્મિંગ એક ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિન્યુએબલ ઊર્જાના ક્ષેત્રમાં મહાત્મા મંદિરમાં ત્રણ દિવસ દરમિયાન થયેલું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ઇન્વેસ્ટ-ઇનોવેટ-ઇન્સ્પાયર’ના મંત્ર સાથે યોજાયેલી ચોથી RE ઇન્વેસ્ટ સમિટ ‘વસુધૈવ કુટુંબકમ’ને સાકાર કરવા સાથે વડાપ્રધાનએ આપેલા ‘વન સન, વન અર્થ, વન ગ્રીડ’ ના વિઝનને વેગ આપશે તેવો વિશ્વાસ આ સમિટના સમાપન પ્રસંગે વ્યક્ત કર્યો હતો.
RE INVEST-2024 સમિટના સમાપન સમારોહમાં કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, નવીન-નવીનીકરણીય ઊર્જા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીપાદ યેશો નાઈક, પ્રધાનો, નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયના સચિવ ભૂપિંદરસિંઘ ભલ્લા, ભારત સરકાર અને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ, દેશ-વિદેશથી પધારેલા રિન્યુએબલ ક્ષેત્રના અગ્રણી, ઉદ્યોગકારો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.