દિલ્હીમાં રેખા-રાજ: શપથ લીધા
રામલીલા મેદાનમાં ભવ્ય સમારોહ; વડાપ્રધાન મોદી, અમિત શાહ અને અન્ય નેતાઓની હાજરીમાં ૬ મંત્રીઓએ પણ શપથ લીધા: ભારત માતા કી જયનો નાદ ગાજ્યો; હજારો લોકો હાજર રહ્યા; ૨૭ વર્ષ બાદ ભાજપની સરકાર
દિલ્હીની ભાગ્ય રેખા બદલાઈ ગઈ છે. ૨૭ વર્ષ બાદ અહીં ભાજપની સરકાર રચાઇ છે અને ગુરુવારે ભાજપના રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતા. એલજી સક્સેનાએ બધાને શપથ લેવડાવ્યા હતા. રામલીલા મેદાનમાં બપોરે 12.35 વાગ્યે રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદે શપથ લેતાં જ ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ પૂરો થયો હતો. એમની સાથે ૬ મંત્રીઓએ પણ શપથ લીધા હતા. વડાપ્રધાન મોદીએ શપથ બાદ રેખા ગુપ્તાને અભિનંદન આપ્યા હતા.
દિલ્હીમાં સુષ્મા સ્વરાજ, શીલા દિક્ષિત અને આતિશી બાદ રેખા ગુપ્તા ચોથા મહિલા મુખ્યમંત્રી છે. રેખા ગુપ્તા ઉપરાંત પરવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઈન્દ્રરાજ, કપિલ મિશ્રા અને પંકજ સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા ત્યારે ભારત માતા કી જયના નારા ગાજી ઉઠયા હતા.
મોદી, શાહ, જેપી નડ્ડા હાજર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય કેબિનેટના સાથીઓ અને ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ટોચના ધર્મગુરુઓ અને ધાર્મિક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના માટે કેન્દ્રીય મંચની બાજુમાં જ સ્ટેજ બનાવવામાં આવ્યો હતો. ખેડૂતો અને ઝુંપડપટ્ટીના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા .
મધ્યમ વર્ગની મહિલાને ટોચનું સ્થાન અપાયું રેખા ગુપ્તાએ સૌનો આભાર માન્યો
શપથ ગ્રહણ કર્યા બાદ રેખા ગુપ્તાએ સૌનો આભાર માન્યો હતો અને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે બધા સાથે મળીને વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં દિલ્હીનો વિકાસ કરશું. અમે જે વચન આપ્યા છે તે પૂરા થશે. મારા જેવી મધ્યમ વર્ગની એક મહિલાને શીર્ષ સ્થાન અપાયું છે માટે હું પૂરી વફાદારી અને નિષ્ઠા સાથે કામ કરીશ.
૮ મી માર્ચે મહિલાઓના ખાતામાં રૂપિયા ૨૫૦૦નો પ્રથમ હપ્તો આવશે ; રેખા
દરમિયાનમાં શપથ લેવા જતાં પહેલા જ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મીડિયા સામે એવી જાહેરાત કરી દીધી હતી કે અમે ચુંટણીમાં આપેલા વચન મુજબ મહિલાઓના ખાતામાં ૮ મી માર્ચથી રૂપિયા ૨૫૦૦ આવવાની શરૂઆત થઈ જશે.
શપથ બાદ યમુનાની મુલાકાત પ્રથમ જ દિવસથી કામ શરૂ
મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ પ્રથમ જ દિવસે વચન મુજબ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કામ શરૂ કરી દીધું હતું અને સાંજે મંત્રીઓ સાથે યમુનાના દર્શને ગયા હતા અને આરતીમાં ભાગ લીધો હતો અને સાથે યમુનાની સફાઇ કામનું નિરીક્ષણ કર્યું હતું.