અલ્હાબાદ હાઇકોર્ટનો શકવર્તી ચુકાદો શું આપ્યો વાંચો
પરિણીત મુસ્લિમને લીવ ઇન રિલેશનનો અધિકાર ન મળે
બંધારણીય અને સામાજિક નૈતિકતા વચ્ચે સંતુલન જરૂરી
એક પરિણીત મુસ્લિમ અને હિંદુ યુવતી વચ્ચેના લીવ ઇન રિલેશન મામલે ચુકાદો આપતા અલ્હાબાદ હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે મુસ્લિમ યુવાનની પત્ની હયાત હોય તો તેને અન્ય મહિલા સાથે લીવ ઈન રિલેશનનો અધિકાર પ્રાપ્ત ન થઈ શકે.
કેસની વિગત એવી છે કે સ્નેહાદેવી નામની મહિલા મહમદ શબાદ ખાન નામના મુસ્લિમ યુવાન સાથે લીવ ઇન રિલેશનશિપથી સાથે રહેતી હતી. એ યુવાન સામે સ્નેહાદેવીનું અપહરણ કરી તેને લગ્ન કરવા માટે દબાણ કરવા અંગે સ્નેહાદેવીના વાલીઓએ પોલીસ ફરિયાદ કરી હતી. એ ફરિયાદ બાદ મોહમ્મદ શાબાદ ખાને પોતે અને સ્નેહાદેવી બંને પુખ્ત વયના હોવાનું જણાવી બંધારણની કલમ 21 હેઠળ જીવન અને સ્વતંત્રતાનો અધિકાર હોવાનું જણાવી પોલીસ રક્ષણની માંગણી કરી હતી.
દરમિયાન ખાને 2020 માં ફરીદા ખાતું નામની મહિલા સાથે લગ્ન કર્યા હોવાનું અને તેમને એક સંતાન પણ હોવાનું ખુલ્યું હતું. બાદમાં જસ્ટિસ એ.આર. મસૂદી અને જસ્ટિસ એકે શ્રીવાસ્તવની બેંચે જણાવ્યું કે મહંમદ ખાને લગ્ન ન કર્યા હોત કે તેની પત્ની હયાત ના હોત તો મામલો અલગ હતો પરંતુ ઇસ્લામમાં પણ આવા સંબંધોને માન્યતા નથી આપવામાં આવી. અદાલતે કહ્યું કે લગ્ન સંસ્થાઓને મામલે બંધારણીય નૈતિકતા અને સામાજિક નૈતિકતાનું સંતુલન હોવું જોઈએ. એ સંતુલન ખોરવાઈ જશે તો સમાજમાં શાંતિ સુલેહ માટે જરૂરી એવી સામાજિક એકતા અદ્રશ્ય થઈ જશે. અદાલતે વધુમાં જણાવ્યું કે રિવાજો અને પરંપરાઓ જ્યારે બે અલગ અલગ ધર્મના લોકો વચ્ચેના આવા સંબંધોને પ્રતિબંધિત કરતા હોય ત્યારે કલમ 21 હેઠળનું જીવન અને સ્વતંત્રતાનું બંધારણીય રક્ષણ પ્રાપ્ત ન થઈ શકે. અદાલતે સ્નેહાદેવીને તેમના માતા-પિતાના ઘરે મોકલી આપવાનો આદેશ કર્યો હતો.