ધ્યાનથી વાંચો…પાસપોર્ટ સેવા પોર્ટલ કેટલા દિવસ બંધ રહેશે ?
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
જો તમે નવો પાસપોર્ટ બનાવવા માંગતા હો તો તમારે આગામી 5 દિવસ રાહ જોવી પડશે. દેશભરમાં પાસપોર્ટ વિભાગનું પોર્ટલ 5 દિવસ બંધ રહેશે તેવી સત્તાવાર જાહેરાત બુધવારે થઈ હતી. 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી પોર્ટલ બંધ રહેશે.
આ 5 દિવસ દરમિયાન પોર્ટલના ટેકનિકલ મેન્ટેનન્સની કામગીરી થવાની છે. પાસપોર્ટ સેવા પોર્ટલ દ્વારા જ બુધવારે આ જાણકારી આપવામાં આવી હતી. પોર્ટલ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકીને આ જાણકારી અપાઈ હતી. આ સમય દરમિયાન કોઈએ એપ્લિકેશન કરવી નહીં.
તમામ નાગરિકો તેમજ આરપીઓ, બીઓઆઈ, આઈએસપી અને પોલીસ અધિકારીઓ માટે સેવા ઉપલબ્ધ નહીં થાય . જે લોકોને 30 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર માટે એપોઇન્ટમેન્ટ ડેટ અપાઈ છે તે બધા લોકોને ફરીથી સુધારેલી તારીખો આપવામાં આવશે.
ઉપરોક્ત 5 દિવસ દરમિયાન કોઈએ પણ અરજી કરવી નહીં તેવી અપીલ કરવામાં આવી છે. સેવા બંધની અસર દેશના તમામ પાસપોર્ટ સેવાકેન્દ્રો, ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલયો અને વિદેશ મંત્રાલય પર પણ રહેશે.