ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફ વોરની ભારતના અર્થતંત્ર પરની વિપરીત અસરોને કાંઈક અંશે ખાળવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે બેસિસ રેપો રેટમાં 25 પોઇન્ટના ઘટાડાની જાહેરાત કરી હતી.ચાલુ વર્ષે આ બીજી વખત રેપો રેટ ઘટાડવામાં આવ્યો છે એ અગાઉ ફેબ્રુઆરીમાં પણ 20 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરી રેપો રેટ 6.25 ટકા કરવામાં આવ્યો હતો અને હવે તેને 6 ટકા સુધી નીચે લાવવામાં આવ્યો છે.આ ઘટાડાને પગલે લોન સસ્તી થવાની સંભાવના છે.
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે ટેરિફ વોરથી વૈશ્વિક વૃદ્ધિ પર દબાણ છે, જે ભારતના નેટ એક્સપોર્ટ્સને અસર કરશે. આ સંજોગોમાં ટેરિફ વોરથી વૈશ્વિક મંદીનું જોખમ વધ્યું છે, જેનાથી ભારતનો GDP વૃદ્ધિ દર 20-40 બેસિસ પોઈન્ટ ઘટીને 6.1-6.5% સુધી જઈ શકે છે. આને રોકવા માટે અને અર્થતંત્રને ટેકો આપવા માટે આરબીઆઈએ આ પગલું ભર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગવર્નર મલ્હોત્રાએ કહ્યું કે કૃષિ ક્ષેત્રે વિકાસની સંભાવનાઓ ઉજ્જવળ બની છે. ઉત્પાદન ક્ષેત્રે પણ ગતિ તેજ બની છે.શહેરી ખપત વધી છે , વૈકલ્પિક ખર્ચો માં વધારો થઈ રહ્યો છે અને સેવા ક્ષેત્ર સંકટોનો સામનો કરવાની ક્ષમતા દર્શાવી રહ્યું છે. બેંકો અને કોર્પોરેટ બેલેન્સશીટ સ્વસ્થ છે .ભારતમાં ફેબ્રુઆરી 2025માં ગ્રાહક મૂલ્ય સૂચકાંક (CPI) આધારિત મોંઘવારી 3.61% સુધી ઘટી હતી, જે આરબીઆઈના 4%ના લક્ષ્યથી નીચે છે. એ સંજોગોમાં રેપો રેટ કટ નો નિર્ણય લેવાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. ઉપરાંત આરબીઆઈએ તાજેતરમાં ઓપન માર્કેટ ઓપરેશન્સ (OMO) અને ફોરેક્સ સ્વેપ દ્વારા બેંકિંગ સિસ્ટમમાં લગભગ 6.5 લાખ કરોડ રૂપિયાની લિક્વિડિટી ઉમેરી છે. આ સ્થિતિ રેટ કટને અનુકૂળ બનાવે છે.
રેપો રેટ ઘટાડાની સાર્વત્રિક અસરો
બેંકો માટે ઉધાર ખર્ચ ઘટશે, જેનાથી હોમ લોન, કાર લોન અને વ્યવસાયિક લોનના વ્યાજ દરો ઘટી શકે છે. આનાથી EMI ઓછી થશે અને ગ્રાહકો વધુ ખર્ચ કરવા સક્ષમ બનશે. રિપોરેટ ઘટાડાથી સસ્તા ધિરાણથી ઉદ્યોગો અને વ્યવસાયોમાં રોકાણને પ્રોત્સાહન મળશે, જે રોજગારી અને આર્થિક વૃદ્ધિને ટેકો આપશે. રેટ કટથી બેંકિંગ, રિયલ એસ્ટેટ અને ઓટો સેક્ટરના શેરોમાં તેજી આવી શકે છે. બીજી તરફ રેપો રેટ ઘટવાથી રૂપિયો નબળો પડી શકે છે, જે આયાતને મોંઘી કરશે અને ઈંધણના ભાવ પર અસર કરશે. જોકે, નિકાસ માટે આ ફાયદાકારક બની શકે.