રાજકોટિયન્સને મળશે ગરમીથી રાહત : જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની સ્થિતિમાં થોડી રાહત મળી હોય તેવા અણસારો વચ્ચે મંગળવારે તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, આવતીકાલે ગુરુવારથી રાજકોટને આકરી ગરમીમાંથી રાહતના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. મંગળવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.8 અને રાજકોટમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથે જ અમરેલી, અમદાવાદ, ડીસા અને ભુજમાં ગરમીનો પારો 43ને પાર થયો હતો.
રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી તીવ્ર ઉષ્ણ લહેર વચ્ચે હવામાન વિભાગે કચ્છમાં હીટવેવનું રેડ એલર્ટ આપ્યું છે જેમાં આજથી રાહતના અણસાર વચ્ચે હવામાન વિભાગે કચ્છ માટે રેડને બદલે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
રાજકોટ માટે પણ આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે જેમાં આવતીકાલે એટલે કે ગુરુવારથી રાહત મળવાના સંકેત સાથે ગરમીની સ્થિતિ ન હોય કોઈ ચેતવણી આપવામાં આવી નથી. બીજી તરફ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા અને મોરબી માટે પણ આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
દરમિયાન મંગળવારે રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 44.8 ડિગ્રી, રાજકોટમાં 44, અમરેલીમાં 44.8, મહુવા અને કંડલા એરપોર્ટ ઉપર 43.4 ડીસામાં 43.1, અમદાવાદ અને ભુજમાં 43, કેશોદમાં 42.8, વડોદરામા 42.2, ગાંધીનગરમાં 42, સુરતમાં 40.6, પોરબંદર અને ભાવનગરમાં 39.4, કંડલામાં 38.9, નલિયામાં 38.8 અને દીવમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.