ઉત્તરાયણમાં 50,000 કિલો ઊંધિયું,25,000 કિલો બાસુંદી અને 5000 કિલો ખીચડો રાજકોટવાસીઓ ખાઈ જશે
એક દિવસમાં 4 કરોડનું ઊંધિયુંના ઓર્ડરો,શહેરમાં 500 જેટલી જગ્યાએ બને છે ઊંધિયું:અગાસી પર પતંગના પેચ સાથે પુરી,ઊંધિયું અને બાસુંદીની મોજ
આજે મકરસંક્રાંતિનો તહેવાર એટલે ઊંધિયું અને પુરીનું જમણવાર વગર અધુરો.. આજના એક દિવસમાં રાજકોટ વાસીઓ 50 ટન(50,000) ઉંધીયુ ઝાપટી જશે, દર વર્ષ કરતાં આ વર્ષે ઊંધિયાના ભાવમાં પાંચથી સાત ટકાનો વધારો આવ્યો છે જોકે શાકભાજીનાં ભાવ ઉતરતા ઊંધીયાના ભાવમાં ખાસ વધારો થયો નથી. જ્યારે 5000 થી વધારે કિલો ખીચડો અને 25000 કિલો બાસુંદી આજે એક દિવસમાં રાજકોટવાસીઓ ખાઈ જશે.
ઊંધિયા વગરની ઉત્તરાયણ અધુરી, આજે અગાસીમાં પતંગ અને દોરાના પેચ સાથે ઊંધિયું પૂરીની જ્યાફ્ત સાથે મઘમઘતી બાસુંદીના સબરકા ખાણીપીણીના શોખીન રાજકોટવાસીઓ લેશે. મકરસંક્રાતિના પર્વ પર લીલા શાકભાજી ની ધૂમ આવક થતી હોવાથી અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ઊંધિયું અને ખીચડો લોકો ખાતા હોય છે જેના કારણે આ તહેવાર આવતા ના સાથે જ અગાઉથી ઊંધિયા માટેના ઓર્ડરો અપાઈ ચુક્યા છે. ડેરી ફાર્મની સાથે કેટર્સ અને ઘરે પણ ઓર્ડરો લેવામાં આવતા હોવાથી એડવાન્સ બુકિંગ અપાઈ ગયા છે.

રાજકોટની જાણીતી શિવશક્તિ ડેરી ફાર્મનાં જગદીશભાઈ અકબરીએ ‘વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દર વર્ષે મકરસંક્રાંતિના પર્વ પર સૌથી વધારે ઊંધિયાની માંગ હોય છે જેમાં પરોઠા અને પુરી સાથે તેમજ હવે તો રોટલા સાથે પણ ઊંધિયું ખવાતું હોય છે. રાજકોટમાં એક દિવસમાં ખાણીપીણીના શોખીનો 50 હજાર કિલો ઊંધિયું ખાઈ જાય છે, આપણા સૌરાષ્ટ્રના ઊંધિયા સાથે સુરતના ઊંધિયાને પણ ડિમાન્ડ હોય છે. આ ઉપરાંત સ્વીટ માં બાસુંદી નો ઉપાડ વધારે રહે છે અંદાજ મુજબ 25,000 કિલો બાસુંદી અને જલેબી પણ ખવાય છે. તૈયાર ખીચડાનો ઓર્ડર ઓછા હોય છે,
રાજકોટમાં અલગ-અલગ વિસ્તારોમાં ઠેર ઠેર ઊંધિયા ના વેચાણ માટેના મંડપ નાખી દેવામાં આવ્યા છે, સવારે 9:00 વાગ્યા થી લઈને 3 વાગ્યા સુધી ઊંધિયાનું વેચાણ ચાલુ હોય છે. એક કિલોનો ભાવ 320 થી લઈ 350 જેટલો છે. એક દિવસમાં રાજકોટવાસીઓ 4 કરોડનું ઊંધિયું આરોગી જશે. સવારે અગાસી પર અને સાંજે હોટલો અને રેસ્ટોરન્ટમાં તડકો લાગશે.