રાજકોટ મહાપાલિકાએ 300 કરોડની જમીન વેચી કર્યો વિકાસ! 18 પ્લોટનું વેચાણ અલગ-અલગ કંપનીઓને કર્યું
મહાપાલિકા દ્વારા છેલ્લા દસ વર્ષની અંદર 300 કરોડ રૂપિયાની જમીન વેચીને રાજકોટનો વિકાસ કર્યો હોવાની સત્તાવાર વિગત સામે આવી છે. તંત્રએ પોતાની માલિકીના 18 પ્લોટનું વેચાણ અલગ-અલગ કંપનીઓને કર્યું છે.
મહાપાલિકા દ્વારા વેસ્ટ ઝોનમાં નાનામવા, રૈયા સહિતની ટાઉન પ્લાનિંગ સ્કીપના ચાર પ્લોટનું એચપીસીએલ તો ઈસ્ટ ઝોનમાં ટીપી સ્કીમ નં.12નો એક પ્લોટ એચપીસીએલને વેચ્યો હતો. આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં મવડી-26, સેન્ટ્રલ ઝોનમાં 24-રાજકોટ, ઈસ્ટ ઝોનમાં 13-રાજકોટ અને 12-કોઠારિયા ટાઉન પ્લાનિંગ સ્કીમ અંતર્ગત મળેલા પ્લોટનું વેચાણ જેટકોને કરવામાં આવ્યું હતું. જ્યારે એક પ્લોટ કે જે વેસ્ટ ઝોનમાં 10-મોટામવા ટીપી સ્કીમમાં સમાવિષ્ટ છે તેનું વેચાણ જીએસએફસીને કરાયું હતું. આ સિવાય સેન્ટ્રલ ઝોન, રેસકોર્સ રિંગરોડ પરનો પ્લોટ, રામનાથપરાનો એક પ્લોટ, ઈસ્ટ ઝોનમાં ટીપી સ્કીમ નં-7નો પ્લોટનું હરાજી થકી વેચાણ કરવામાં આવ્યું હતું. જ્યારે એકમાત્ર પ્લોટનું ટેન્ડર થકી વેચાણ કરાયું હતું. આ રીતે તંત્રને કુલ 300 કરોડની આવક થવા પામી હતી.
જ્યારે વેસ્ટ ઝોનમાં નાનામવા ટીપી સ્કીમ-3માં આવેલો 9435 ચોરસમીટરના પ્લોટની હરાજી કરાઈ હતી અને તેમાં એક પાર્ટીએ ઉંચો ભાવ પણ બોલ્યો હતો પરંતુ હરાજીના નિયમ પ્રમાણે સમયસર ચૂકવણું કરવામાં ન આવતાં મહાપાલિકાએ 18 કરોડ જપ્ત પણ કર્યા હતા.
