જેમ જેમ માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે તેમ તેમ મહાપાલિકાની વેરા વસૂલાત શાખા આક્રમક બનીને `ઉઘરાણી’ કરી રહી છે. વેરો ભરપાઈ કરવામાં આનાકાની કરનારા બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવે છે તેમાં વધુ બેનો ઉમેરો થવા પામ્યો છે. વોર્ડ નં.૩માં પરસાણા પાર્કમાં આવેલી મહર્ષિ સ્કૂલ દ્વારા ૧.૬૮ લાખનો વેરો ભરવામાં ન આવતાં તેને સીલ મારી દેવાયું હતું. આ ઉપરાંત વોર્ડ નં.૩માં રેલવે ક્રોસિંગ નજીક નારાયણનગર સોસાયટીમાં આવેલી ફ્લોર મીલને સીલ લગાવાયું હતું.
જ્યારે વોર્ડ નં.૧૦માં ૧૫૦ ફૂટ રિંગરોડ પર રોયલ પાર્કમાં મીત કોમ્પલેક્સમાં કે.કે.ફ્લાવર્સ પાસે ૯૨૬૩૪ની ઉઘરાણી માટે ટીમ પહોંચી એટલે તુરંત જ ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું. એકંદરે સોમવારે ટેક્સ બ્રાન્ચે બે મિલકતોને સીલ લગાવ્યું હતું જ્યારે ત્રણ મીલકતોને સીલ લાગે તે પહેલાં જ ૨૯.૩૭ લાખનો વેરો જમા થઈ જતાં તા.૧-૪-૨૦૨૪થી તા.૧૩-૧-૨૦૨૫ સુધીમાં તંત્રની તીજોરીમાં વેરાપેટે કુલ ૩૩૬.૫૭ કરોડ જમા થવા પામ્યા છે.