- ખોટી રીતે મેળવેલ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર રદ કરવા કલેકટરનો હુકમ
- ખેડૂત ખાતેદાર પ્રમાણપત્રના આધારે પીપળીયા ગામે ખરીદેલી જમીનની નોંધ રદ કરવા પણ આદેશ
રાજકોટ : મહેસુલ વિભાગમાં રેર ઓફ ધ રેર ગણાય તેવા કિસ્સામાં રાજકોટ જિલ્લા કલેકટરે મહત્વનો ચુકાદો આપ્યો છે. સીમાચિહ્નરૂપ આ કિસ્સામાં નાકરાવાડી ખાતે જમીન ખરીદનાર અસામીના વડવાઓએ 64 વર્ષ પૂર્વે સંપૂર્ણ જમીન વેચી નાખી હોવા છતાં પણ રેવન્યુ રેકર્ડમાં જમીન વેચાણની અસર વિલંબથી થવાના કિસ્સામાં ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવી લઈ બાદમાં રાજકોટ તાલુકાના નાકરાવાડી અને પીપળીયા સહિતના ગામોમાં જમીન ખરીદી લીધી હોવાનું સામે આવતા સીટી પ્રાંત અધિકારી-2ના ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર રીવીઝનમાં લઈ રદ્દ કરવા રિપોર્ટ કરતા આ કેસમાં જિલ્લા કલેકટરે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર રદ્દ કરવાની સાથે તમામ જમીનની વેચાણ નોંધ રીવીઝનમાં લેવા તેમજ સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાની કલમ 54ના ભંગ બદલ કલમ 57 મુજબ પગલાં ભરવા આદેશ કર્યો છે.
રેવન્યુ વિભાગના આ મહત્વના કેસ અંગેની વિગતો જોઈએ તો વર્ષ 2021માં નાકરાવાડી રેવન્યુ સર્વે નંબર 35ની જમીન ધરાવતા અભિષેક કમલેશભાઈ બાલાસરા દ્વારા રાજકોટ સીટી પ્રાંત-2 અધિકારીની કચેરીમાં ખેડૂત ખાતેદાર હોવાં અંગેના આધાર પુરાવા સાથે અરજી કરતા સીટી પ્રાંત-2 અધિકારીની કચેરી દ્વારા ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર ઈશ્યુ કરવામાં આવ્યું હતું. બાદમાં જુલાઈ 2022માં સીટી પ્રાંત-2 અધિકારીની કચેરી દ્વારા ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર આપવામાં કાચું કપાયું હોવાનું ધ્યાને આવતા ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર રદ કેમ ન કરવું તેવી કારણદર્શક નોટિસ કમલેશભાઈ મેરામભાઇ બાલાસરા ને ફટકારી પ્રમાણપત્ર અંગેનો આ કેસ રીવીઝનમાં લેવા દરખાસ્ત કરવામાં આવતા જિલ્લા કલેકટર દ્વારા કેસ રીવીઝનમાં લેવામાં આવ્યો હતો.

વધુમાં કમલેશભાઈ મેરામભાઇ બાલાસરાના વડવાઓ મુળ રાજકોટ તાલુકાના ભાયાસર ગામે સ.નં.૨૧,૨૨,૨૩,૧૮ ની જમીન ધરાવતા હતા. જેમાં સાર્દુલ રાણા ગુજરી જતા વસ્તા સાર્દુલ તથા રાજા સાર્દુલનું નામ દાખલ કરેલ.બાદમાં રાજા સાર્દુલ ગુજરી જતા તેમના વારસ તરીકે મેરામ રાજા, રાયધન રાજા તથા રામ રાજાના નામ દાખલ કરવામાં આવેલ. જે અંગેની પ્રમોલગેશન નોંધ નં.૧૭ ગામ દફતરે દાખલ થયેલ. બાદમાં રાજકોટ તાલુકાના ભાયાસર ગામે નવી માપણી અમલમાં આવતા ખાતેદાર તરીકે (૧) મેરામ રાજા (૨) રાયધન રાજા તથા (૩) રામ રાજાના નામે સ.નં.૪૩/૧,૪૩/૨,૪૩/૩,૪૯,૫૨,૫૩,૫૪ ની જમીન નોંધ નં.૧૩૩ થી દાખલ થયેલ.
જો કે, મેરામ રાજા વગેરે ત્રણ અસામીઓના ખાતે આવેલ ભાયાસર ગામના સ.નં.૪૩/૧,૪૩/૨, ૪૯ તથા પર ની જમીન રજી.વે.દ.નં.૭૯૧, તા. ૨૬/૦૬/૫૭ થી ગોવિંદ સાર્દુલને વેંચાણ આપવામાં આવેલ. બાકી વધતા સ.નં. ૪૩/૩,૫૩,૫૪,૫૦ ની જમીન વસ્તા સાર્દુલે વે.દ.નં.૧૨૮૯, તા. ૨૬/૦૬/૫૭ થી દાના ખેંગારને વેંચાણથી આપવામાં આવેલ. જે અન્વયે હકકપત્રકે નોંધ નં. ૨૦૨ તથા ૨૦૩ સને-૧૯૭૦ માં દાખલ કરવામાં આવેલ. પરંતુ નોંધોની અસર રેવન્યુ રેકર્ડમાં આપવામાં આવેલ ન હોવાના કારણે મુળ કબજેદારના નામો રેવન્યુ રેકર્ડમાં ચાલું રહેલ. બાદમાં ફરીને આ જમીનના રેવન્યુ રેકર્ડમાં રજી.દસ્તાવેજ મુજબની નોંધ નં. ૬૯૬ તથા નોંધ નં.૬૯૭ દાખલ કરવામાં આવેલ. ત્યારે તેની રેકર્ડ પર અસર આવેલ. જેથી કમલેશભાઈ મેરામભાઈ બાલાસરાના વડવાઓ દ્વારા આશરે ૬૪ વર્ષ પહેલા જમીનનું વેંચાણ કરવામાં આવેલ અને બિનખેડૂત બનવા પામેલ હોવાનું રેકર્ડ પરથી સ્પષ્ટ બનતું હોવાનું કેસમાં નોંધ્યું છે.
બીજી તરફ જમીન વેચાણના દસ્તાવેજોની ગામ દફતરે અસર ૩૮ વર્ષ જેટલા સમય બાદ અમલવારી કરવામાં આવેલ હોવાનું અને ત્યારબાદ મેરામભાઈ રાજાભાઈ બાલાસરાએ રાજકોટ તાલુકાના આણંદપર ગામના સ.નં.૧૭૫ પૈ.૨ ની જમીન રજી.વે.દસ્તાવેજથી ખરીદ કરેલ હોવાનું તેમજ ગામ દફતરે નોંધ નં.૭૨૫, તા.૩/૬/૯૬ થી પ્રમાણિત થયેલ હોવાનું કેસમાં નોંધી ત્યારબાદ ઉતરોતર વેંચાણ દ્વારા હાલમાં કમલેશભાઈએ રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામના સ.નં.૩૫ ની જમીન રજી.વે.દ. નં.૧૪૭૨, તા.૨૨/૦૨/૦૮ થી ખરીદ કરેલ છે. જેની ગામ દફતરે નોંધ નં.૫૮૭, તા. ૩૦/૦૭/૦૭ થી પ્રમાણિત થયેલ.જેથી કમલેશભાઈ ૩૮ વર્ષ પહેલાં જ બિનખાતેદાર બની ગયા બાદ તેઓ દ્વારા જમીન ખરીદ કરવામાં આવેલ હોવાનું અને તમામ હકીકતો છુપાવીને ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવ્યું હોય જે રદ કરવા હુકમ કર્યો હતો. સાથે જ કમલેશભાઈ દ્વારા રાજકોટ તાલુકાના પીપળીયા ગામે પણ ખેતીની જમીન ખરીદ કરવામાં આવી હોય જે નોંધો રદ કરવા જિલ્લા કલેકટરે હુકમ કરી સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાની કલમ 54ના ભંગ બદલ કલમ 57 મુજબ પગલાં ભરવા આદેશ કર્યો હતો.