સાંથણીમાં ફાળવેલી જમીન પડતર રાખતા ખાલસા કરવા હુકમ કરતા રાજકોટ કલેકટર : બોઘરાવદારમાં પ્રાંતના હુકમને કાયમ રખાયો
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકના બોઘરાવદર ગામમાં વર્ષ 1975માં સરકાર દ્વારા સાંથણીમા ફાળવવામાં આવેલ જમીન જૂની શરતમાં ફેરવવાની સુઓમોટો કાર્યવાહી દરમિયાન મામલતદાર જસદણ દ્વારા સાથણીમાં ફાળવાયેલ જમીન 1993થી 2001 તેમજ 2002-03થી 2015-16 સુધી પડતર રાખી વાવેતર ન કરવામાં આવ્યું હોવાના રિપોર્ટ બાદ નાયબ કલેકટર જસદણ દ્વારા શરતભંગ સાબિતમાની જમીન ખાલસા કરવા હુકમ કરવામાં આવ્યો હતો જેની સામે લાભાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ અપીલ દાખલ કરવામાં આવતા કેસ ચલાવી જિલ્લા કલેકટર દ્વારા નાયબ કલેકટર જસદણના હુકમને કાયમ રાખી અપીલ ના મંજુર કરી જમીન ખાલસા કરવા હુકમ યથાવત રાખ્યો હતો.
આ કેસની વિગત જોઈએ તો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બોઘરાવદર ગામના રેવન્યુ સર્વે નંબર 266 પૈકી 28ની ત્રણ એકર જમીન વર્ષ 1975માં જમલખાં કાદુખાનને સાંથણીમાં ફાળવવામાં આવી હતી. જે બાદ જમાલખા કદુખાનનુ અવસાન થતા તેમના વારસદાર આઇસાબેન જમાલખાન, અલીખાન જમાલખાન, કાળુંખાન જમાલખાન અને બાવદીનભાઈ જમાલખાનના નામે વારસાઈ નોંધ પડી હતી. જેમાં વર્ષ 2018માં નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા માટે સુઓમોટો કાર્યવાહી કરવામાં આવતા મામલતદાર જસદણ દ્વારા સાથણીમાં ફાળવાયેલ જમીન 1993થી 2001 તેમજ 2002-03થી 2015-16 સુધી પડતર રાખી વાવેતર ન કરવામાં આવ્યું હોવાની દરખાસ્ત નાયબ કલેકટર જસદણને કરવામાં આવતા નાયબ કલેકટરે શરતભંગ કેસ ચલાવી જમીન ખાલસા કરવા હુકમ કર્યો હતો.
દરમિયાન 2018માં જમીન ખાલસા કરવા હુકમ કરવામાં આવ્યા બાદ સાંથણીના લાભાર્થી અલીખાન જમાલખાન, કાળુંખાન જમાલખાન અને બાવદીનભાઈ જમાલખાન દ્વારા ત્રણ વર્ષ બાદ ખાલસા હુકમ સામે રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ વિલંબમાંફી અંગેની અપીલ કરી હતી. જો કે, વિલંબ માફી માટે અરજદારો ચોક્કસ કારણો રજૂ નહીં કરી શકવાની સાથે સાંથણીમા ફાળવવામાં આવેલ જમીન ઉપર ત્રાહિત વ્યક્તિ લાખાભાઇ ભરવાડનો કબ્જો હોવાનું સામે આવતા આ કેસમાં જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે અરજદારની અપીલ ફગાવી દઈ નાયબ કલેકટર જસદણનો ખાલસા હુકમ યથાવત રાખવા આદેશ કર્યો હતો.
