રાજકોટ : જયુબેલી ગાર્ડન પાસે અકસ્માત સર્જી નાસી છૂટવાનો પ્રયાસ કરતા નબિરાઓને અટકાવતાં વેપારી પર હુમલો
જયુબેલી ગાર્ડન પાસે બનેલી ઘટનામાં પોલીસે મહિલા સહીત ત્રણ વિરુદ્ધ નોંધ્યો ગુન્હો
શહેરમાં જયુબેલી ગાર્ડન નજીક પુરપાટ ઝડપે ધસી આવેલો સ્વીફ્ટ કારનો ચાલક અહીંથી પસાર થતાં એક વેપારીની કાર સાથે અકસ્માત સર્જી નાસી છૂટતા વેપારીએ કારમાં સવાર નબીરાઓને અટકવાનો પ્રયાસ કરતાં તેના પર હુમલો કરાયો હતો. એ ડિવિઝન પોલીસે મહિલા સહીત ત્રણ અજાણ્યા શખસો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ,જામનગર રોડ પર પરસાણાનગર શેરી નં 2 માં રહેતા અને મેટોડામાં કપડાંની દુકાન ચલાવતાં મુરલી નારણદાસ દેવનારીએ પોલીસમાં જીજે 03 એન.પી 4153 નંબરની સ્વીફ્ટ કારના ચાલક અને તેની સાથે રહેલી એક મહિલા સહીત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,ગત તારીખ 1/4 ના સાંજના 6 વાગ્યા આસપાસ મુરલીભાઈ પોતાની કાર લઈને જયુબેલી ચોક પાસેથી પસાર થતાં હોય તે વેળાએ પુરપાટ ઝડપે ઘસી આવેલા સ્વીફ્ટ કારના ચાલકે ફરિયાદીની કાર સાથે અકસ્માત સર્જી નાશી છૂટવાનો પ્રયાસ કરતા મુરલીભાઈએ કારનો પીછો કરી કેસરેહિન્દ પુલ પાસે આ સ્વિફ્ટને રોકી હતી. વેપારીએ કાર ચાલકને સરખી ચાલવાનું કહેતા જ સ્વિફ્ટમાંથી એક મહિલા સહીત ત્રણ શખસો ઉતર્યા હતા અને તેમાંથી એક શખસે વેપારીને ફડાકો ઝીકી દીધો હતો.તેમજ સાથે રહેલી મહિલાએ પણ વેપારીને માર મારવાની કોશિષ કરી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
