મુંબઈમાં વરસાદે 107 વર્ષનો રેકોર્ડ તોડ્યો : જનજીવન અસ્તવ્યસ્ત, રસ્તાઓ બન્યા સ્વિમિંગ પૂલ
મહારાષ્ટ્રમાં સમય પહેલા જ સોમવારે મોન્સુનની શરૂઆત થઈ ગઈ હતી. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દક્ષિણ પશ્ચિમ મોન્સુનનું આ વખતે સામાન્ય કરતા થોડા વહેલાં જ આગમન થઈ ચૂક્યું છે. રવિવાર રાતથી મુંબઈ સહિત અનેક શહેરોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને સોમવારે સવારે પણ ભારે વરસાદ ચાલુ રહેતાં મુંબઈ પાણી પાણી થઈ ગયું હતું. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. મુંબઇમાં 107 વર્ષનો રેકોર્ડ તૂટયો છે.
અલગ અલગ વિસ્તારોમાં 8 થી 10 ઇંચ જેટલું પાણી વરસી જતાં અનેક સ્થળ જળબંબાકાર થયા હતા; લોકલ ટ્રેનો 3 થી 4 કલાક મોડી થઈ હતી. અનેક જગ્યાએ ઝાડ પડી ગયા હતા. હવાઈ સેવાને પણ અસર થઈ હતી. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. લોકોને જરૂર વિના ઘરની બહાર નહીં નીકળવાની સૂચના અપાઈ હતી. આમ મુંબઇમાં ભારે વરસાદ બાદ લોકો ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા.
અંધેરી સબવે બંધ થઈ ગયો હતો. માર્ગ અંધેરી પૂર્વને અંધેરી પશ્ચિમ, વર્સોવા, સાત બંગલા, ચાર બંગલા, અંબોલી, જુહુ, જોગેશ્વરી પશ્ચિમ સાથે જોડે છે. તે બધામાં 2 થી 2.5 ફૂટ પાણી ભરાયેલું હતું. લોકોને અસુવિધાથી બચાવવા માટે, મોટર પંપનો ઉપયોગ કરીને પાણી કાઢવામાં આવ્યું હતું. . ટ્રાફિક પોલીસ લોકોને રોકીને પાછા મોકલી રહી છે હતી. મુંબઈના અનેક વિસ્તારોમાં તળાવ જેવી સ્થિતિ બની ગઈ હતી અને બાહં વ્યવહાર થંભી ગયો હતો.
આ ઉપરાંત રાજ્યના રાયગઢ, રત્નાગિરી, થાણે અને મુંબઈ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે. હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. પૂણેમાં પણ ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. સોલાપુર હાઇ-વે બેટ બની જતાં વાહનવ્યવહાર અટકી ગયો હતો.
ક્યાં કેટલો વરસાદ પડ્યો?
મુંબઇમાં સવારે 11 સુધી નરીમાન પોઈન્ટમાં 10 ઇંચ, મહાપાલિકા વડામથક 8 ઇંચ, કોલાબામાં 8 ઇંચ, દોન ટાંકી આઈ હોસ્પિટલ વિસ્તાર 8 ઇંચ, મરીનલાઇન 7 ઇંચ, વરલી 6 ઇંચ, સાન્તાક્રુઝ 4 ઇંચ, ચેમ્બુર 4 ઇંચ, બાંદ્રા 4 ઇંચ , કુર્લા 3 ઇંચ પાણી પડ્યું હતું.
કર્ણાટકમાં પણ ભારે વરસાદ, નદીઓ બે કાંઠે
આ જ રીતે કર્ણાટકમાં પણ રવિવાર રાતથી જ અનેક શહેરોમાં ભારે વરસાદ શરૂ થયો હતો અને સોમવાર સુધી ચાલુ રહેતાં જનજીવન થંભી ગયું હતું અને અનેક શહેરો જળબંબાકાર થયા હતા. અનેક નદીઓ બે કાંઠે થઈ હતી. હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું હતું. સોમવારે પણ સવારે અતિ ભારે વરસાદ થયો હતો.