જમ્મુમાં કાશ્મીર ટાઇમ્સની ઓફિસ પર દરોડા : 3 ગ્રેનેડ લિવર, AK-47 કારતૂસ જપ્ત, એક્ઝિક્યુટિવ એડિટર સામે FIR
જમ્મુ અને કાશ્મીર પોલીસની સ્ટેટ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી એ ગુરુવારે દેશ વિરુદ્ધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના આરોપસર જમ્મુમાં કાશ્મીર ટાઇમ્સના કાર્યાલય પર દરોડા પાડતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે વ્હેલી સવારે શરૂ થયેલી તપાસ દરમિયાન AK-47 કારતૂસ, પિસ્તોલના રાઉન્ડ અને ત્રણ ગ્રેનેડ લિવર મળી આવ્યા હતા.
કાશ્મીર ટાઇમ્સના એક્ઝિક્યુટિવ એડિટર અનુરાધા ભસીન વિરુદ્ધ કથિત રીતે અસંતોષ ફેલાવવા, અલગતાવાદને મહિમા આપવા અને ભારત અને કેન્દ્રશાસિત પ્રદેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને જોખમમાં મૂકવા બદલ એફ આઈ આર પણ નોંધવામાં આવી છે. તપાસનો હેતુ ભારતના સાર્વભૌમત્વ ને જોખમમાં મૂકે તેવા તેમના કથિત જોડાણો અને પ્રવૃત્તિઓની તપાસ કરવાનો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો :7 વર્ષની માંગણીનો સ્વીકાર : રાજકોટ ગ્રામ્યમાં નવાં DEO મળશે, ગુજરાતમાં 6 નવી DEO કચેરીને મળી મંજુરી
કાશ્મીર ટાઈમ્સ એ જમ્મુ અને કાશ્મીરના સૌથી જૂના અને સૌથી પ્રખ્યાત અખબારોમાંનું એક છે. તેની સ્થાપના વેદ ભસીન દ્વારા કરવામાં આવી હતી અને 1954માં સાપ્તાહિક અખબાર તરીકે શરૂઆત થાય બાદ ૧૯૬૪થી તે દૈનિક અખબાર તરીકે પ્રકાશિત થઈ રહ્યું છે.
અમે ચૂપ નહીં થઈએ: કાશ્મીર ટાઇમ્સનો હુંકાર
કાશ્મીર ટાઈમ્સના વરિષ્ઠ સંપાદકો પ્રબોધ જામવાલ અને અનુરાધા ભાસીને તેમના પર મૂકવામાં આવેલા આરોપો ડરાવવા માટે, અમારી વિશ્વસનીયતા ખતમ કરવા માટે અને અંતે અમને ચૂપ કરાવવા માટે રચાયા હોવાનો વળતો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે અમે ચૂપ નહીં થઈએ. અમારા પર હુમલો એટલા માટે થઈ રહ્યો છે કે જ્યારે આલોચનાત્મક અવાજો દિવસેને દિવસે ઓછા થતા જઈ રહ્યા છે ત્યારે અમે અમારું કામ ચાલુ રાખીએ છીએ.તેમણે ઉમેર્યું કે અમે એ થોડાંક સ્વતંત્ર મીડિયા મંચોમાંનું એક છીએ જે સત્તાને સત્ય બોલવાની હિંમત રાખે છે.
