રાહુલ ગાંધી આજે અગ્નિકાંડના પીડિતોને મળશે અને પછી સંસદમાં મુદ્દો ઉઠાવશે
એક દિવસ માટે અમદાવાદની મુલાકાતે : જગન્નાથજીના રથનું પૂજન પણ કરશે
લોકસભામાં વિરોધ પક્ષના નેતા હુલ ગાંધી આજે એક દિવસ માટે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે અને આ મુલાકાત દરમિયાન તેઓ રાજકોટના અગ્નિકાંડના પીડિતોને મળશે અને તેમની વ્યથા જાણશે. સુત્રો અનુસાર, આ પીડિતોને મળ્યા પછી રાહુલ ગાંધી સંસદમાં આ મુદ્દો ઉઠાવશે.
રાજકોટના અગ્નિકાંડના પીડિતો સાથે થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ ઓનલાઇન વાત કરી હતી. મૃતક આશાબેન કાથડના પરિવારજનોએ કહ્યું અમે અમદાવાદમાં રાહુલ ગાંધીને મળીશું. રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ રાજકોટથી પીડિત પરિવારોને અમદાવાદ લઈ ગયા છે.
પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો સામનો કરનાર કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે.
સુત્રો અનુસાર, રાહુલ ગાંધી બપોરે ૧૨-૩૦ વાગ્યા આસપાસ અમદાવાદ આવશે અને ત્યાર બાદ જગન્નાથ મંદિરના રથ પૂજનના કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત કોંગ્રેસ ભવન ઉપર થયેલા પથ્થરમારાના પીડિત કાર્યકરો સાથે પણ મુલાકાત કરવાના છે. રાજકોટ ઉપરાંત મોરબી, વડોદરા અને સુરતના પીડિતોને પણ તેઓ મળવાના છે.