લો બોલો !! PSIએ ચોરને બદલે જજને જ બનાવી નાખ્યા આરોપી : લાપરવાહીની હદ વટાવી
આગ્રામાં બનેલી એક ઘટનાએ ખાસ કરીને પોલીસ અને ન્યાયતંત્રમાં ચર્ચા જગાવી છે. એક પી.એસ.આઈ.એ લાપરવાહીની તમામ હદ પાર કરીને ચોરીના એક મામલામાં ચોરનું નામ લખવાને બદલે મહિલા જજનું નામ લખી નાખ્યું હતું .વાત હજુ એટલેથી અટકી ન હતી અને તે બિનજામીન લાયક વોરંટ લઈને મહિલા જજની ઘરે પહોંચી ગયા હતા. આ મામલામાં કોર્ટે આઈ.જી.પી.ને તપાસનો આદેશ આપ્યો છે.
કોર્ટે ચોરીના મામલામાં ફરાર આરોપી રાજકુમાર ઉર્ફે પપ્પુની વિરુદ્ધમાં સી.આર.પી.સી. ની કલમ 82 હેઠળ હાજર થવાનો આદેશ આપ્યો હતો. આ સમન્સ પી.એસ.આઈ. બનવારીલાલ પાસે પહોંચ્યું ત્યારે તેણે ભૂલથી મેજીસ્ટ્રેટ નગ્માખાનનું નામ આરોપી તરીકે લખી નાખ્યું. આ સમન્સ ઇસ્યુ કરનાર મેજીસ્ટ્રેટ નગ્માખાન હતા.
પી.એસ.આઈ. બનવારીલાલ આ સમન્સને બિનજામીન લાયક વોરંટ સમજી બેઠા હતા અને નગ્માખાનનો શોધખોળ કરવા નીકળી પડ્યા હતા. આ પછી બનવારીલાલે પોતાના રીપોર્ટમાં લખ્યું કે, આરોપી નગ્માખાન પોતાના ઘર ઉપર હાજર મળી આવ્યા નથી. મહેરબાની કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે.
પી.એસ.આઈ.ની આ લાપરવાહીથી નારાજ કોર્ટે કહ્યું હતું કે, જે અધિકારીને કોર્ટના આદેશનું પાલન કરવાનું હતું તેને કાનૂની પ્રક્રિયાની સમજ નથી અને કોર્ટનો આદેશ કોની વિરુદ્ધમાં છે તેની પણ ખબર નથી.
કોર્ટે ત્યાં સુધી કહ્યું કે, જો આવા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં નહિ અએ તો તે કોઈના પણ મૌલિક અધિકારો ઉપર તરાપ મારી શકે છે. કાંઇ પણ સમજ્યા વગર કોર્ટના આદેશને બિનજામીન લાયક વોરંટ સમજવું અને તેમાં મેજીસ્ટ્રેટનું નામ લખી નાખવુ દર્શાવે છે કે, આ અધિકારીએ કોર્ટનો આદેશ વાંચવાની તસ્દી પણ લીધી નથી.